Back

વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથકે ૭૧મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અવસરે આકર્ષક ટેબ્‍લોઝ અને રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, યોજાયા


વલસાડ જિલ્લામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની દેશભક્‍તિથી તરબોળ વાતાવરણમાં પારડી ખાતે ઉમંગભેર ઉજવણી  થઇ હતી. વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે રાષ્‍ટ્રધ્‍વજની વંદના કરીને પ્રજાજનોને ૭૧મા પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. તેમણે રાષ્‍ટ્રની આઝાદીમાં શહાદત વહોરનાર તથા ત્‍યાગ અને બલિદાન આપનાર વીરલાઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પારડી ખાતે થઇ રહેલી ઉજવણી દરમિયાન રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્‍યા બાદ મંત્રીશ્રી પાટકરે  તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્‍યું હતું કે, પૂ. મહાત્‍મા ગાંધીજીએ ૧૯૪૭માં પાકિસ્‍તાનની રચના થયા પછી ત્‍યાંથી નિરાશ્રિત બનેલા હિન્‍દુ, શીખ, જૈન, બૌધ્‍ધ, પારસી જેવા તમામ ધર્મના લોકોને આશ્રય આપવા, રોજગારી તથા સન્‍માન આપવાની લાગણી વ્‍યકત કરી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકશાહી પ્રણાલીને અનુસરીને રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની આ ભાવનાને પૂર્ણ કરતા ભારતમાં આવીને વસેલા એવા નિરાશ્રિતોને નાગરિકતા મળે તેવા કાયદો પસાર કર્યો  ત્‍યારે તે કાયદાના સન્‍માન અને રક્ષણની આપણા સૌની જવાબદારી છે, તેવું મંત્રીશ્રી રમણલાલ પાટકરે પ્રજાસત્તાક પર્વે જણાવ્‍યું હતું. આ કાયદાનો વિરોધ કરી રહેલા તત્ત્વોને સખત શબ્‍દોમાં વખોડી કાઢતા જણાવ્‍યું હતું કે, સંવેદના અને બંધુતાના ભાવ સાથે લોકશાહી પ્રથા અનુસાર પાસ થયેલા આ કાયદાનો વિરોધ એ લોકશાહીને છાજે નહીંં તેવું કૃત્‍ય છે. ભારતના કોઇ જ નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પરંતુ પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, અફઘાનિસ્‍તાનના કટ્ટતરવાદી વલણના કારણે ભારતમાં આવીને વસેલાને આશરો આપવો એ આપણો ધર્મ અને સાંસ્‍કૃતિક પરંપરા છે તેવું તેમણે ઉમેર્યુ હતું. 

  મંત્રીશ્રીએ સરકારના પ્રજાલક્ષી અભિગમ અને કામગીરીની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, દરેક ક્ષેત્રોના કાર્યોને નક્કર પરિણામો આપવા સમાજમાં કોઇ ભેદભાવ ન રહે અને નાના-મોટા સૌને મારી સરકાર હોવાની ભાવના સાથે રાજ્‍યનો સમતોલ વિકાસ થાય તે માટે વિવિધ ૨૬ વિભાગો સાથે મળીને કામગીરી કરી રહયા છે. ગરીબી રેખા હેઠળના ૩૩ લાખ કુટુંબો, અંત્‍યોદયમાં આઠ લાખ કુટુંબોના પાયાને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ થકી મજબૂત બનાવાયા છે. ૨૮ હજાર જેટલા લોકોને જંગલની જમીન તેમના નામે કરી હુકમો આપવાની સાથે ઉજ્જવલા હેઠળ એક લાખ કરતાં વધુ પરિવારોને ગેસ કનેકશન આપવામાં આવ્‍યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૪૧ પરિવારો માટે ઘર આપવાનું આયોજન કરાયું છે. 

આરોગ્‍ય સેવાઓ બહેતર બનાવવા માટે મુખ્‍યમંત્રી અમૃતમ તેમજ મા-વાત્‍સવ્‍ય યોજના હેઠળ ૧૩૭૩ કરોડના ખર્ચે ૩ કરોડ ૭૦ લાખ ગુજરાતી બાંધવોને લાભ આપ્‍યો છે. આયુષ્‍માન ભારત હેઠળ ગુજરાતમાં ૬ લાખ કાર્ડ આપવામાં આવ્‍યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલી સરાહનીય કામગીરીના કારણે ખેડૂતો અને રાહદારીઓ માટે સરળતા થઇ છે. ખેડૂત જગતનો તાત છે તેમ જણાવી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, કૃષિ વિભાગમાં સૂક્ષ્મ પિયત યોજના, નહેર સુધારણા યોજના તેમજ કૃષિ મેળાઓ યોજી ખેડૂતોનો વિકાસ કરાતાં કૃષિક્ષેત્રે ખેડૂતોને ક્રાંતિ કરી મબલબ ઉત્‍પાદન મેળવ્‍યું છે. ૧૪મા નાણા પંચ હેઠળ આપવામાં આવતા અનુદાન થકી ગામાડાઓનો વિકાસ ઝડપી બન્‍યો છે. ખેડૂત સમ્‍માનનિધિ યોજના હેઠળ ૬ હજારની સહાય તેમજ પ્રધાનમંત્રી ફસલ યોજના થકી સરકાર ખેડૂતોની  પડખે ઊભી રહી છે. 

જળ સંચય યોજના હેઠળ તળાવો ઊંડા કરતાં સિંચાઇ અને પીવા માટે પૂરતું પાણી મળી રહેશે. દેશમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે હેતુથી પ્રધાનમંત્રી શ્રિ નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતને વિશ્વવિખ્‍યાત બનાવ્‍યું છે. સાયબર ગુનાઓને નાથવા માટે આશ્વસ્‍ત પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં કોઇપણ બાળક કુપોષણયુકત ન રહે તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે.

પ્રજાસત્તાક પર્વ ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લામાં મંત્રીશ્રી સહિત કલેક્‍ટરશ્રી સી.આર.ખરસાણ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ જોશીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળા રેલવે પોલીસ ફૉર્સ, જિલ્લા પોલીસના મહિલા તથા પુરુષ જવાનો, હોમગાર્ડ્‍ઝના મહિલા અને પુરૂષ ગાર્ડ્‍સ, સહિત પોલીસની પરેડ પોલીસ બૅન્‍ડના સથવારે યોજવામાં આવી હતી

આ પ્રસંગે જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા આકર્ષક અને માહિતીપ્રદ ટેબ્‍લોઝ પણ રજુ કરાયા હતા. બાગાયત, ખેતીવાડી, ૧૦૮,  આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શિક્ષણ વિભાગ, આરોગ્‍ય, પશુપાલન, વન, અને પોલીસ વિભાગના ટેબ્‍લોઝ રજુ કરાયા હતા.

ગણતંત્ર પર્વ ઉજવણી નિમિત્તે રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ નગરજનોને માણવા મળ્‍યા હતા. આ અવસરે દેશભક્‍તિ ગીત, આદિવાસી નૃત્‍ય , બેટી બચાવો અને બેટી પઢાઓ જેવા પ્રેરણાત્‍મક કાર્યક્રમો રજુ કરાયા હતા.  

ગણતંત્ર દિવસે મહાનુભાવોના હસ્‍તે રમતગમત ક્ષેત્રના શ્રેષ્‍ઠ ખેલાડીઓ, પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનો, આરોગ્‍ય તથા શિક્ષણ, વન અને પર્યાવરણ વગેરે ક્ષેત્રે કામગીરી, ઇમરજન્‍સી સેવાની વિશિષ્‍ટ કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા.

વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણને ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્‍ઠ વ્‍યવસ્‍થાપન તેમજ ચુંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુકત ન્‍યાયી તટસ્‍થ પારદર્શક ચૂંટણી વ્‍યવસ્‍થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે રાજ્‍યના શ્રેષ્‍ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી સન્‍માનિત કરવા બદલ જ્‍યારે  વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુરભાઇ બિલખીયાને પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ મંત્રીશ્રીએ તેમને અભિનંદન પાઠવ્‍યા હતા.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજુ થયેલા ટેબ્‍લોઝ, પરેડ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વિજેતા કૃતિઓને પણ મહાનુભાવોના હસ્‍તે પારિતોષિકો એનાયત કરવામાં આવ્‍યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન નગરજનો સહિત તાલુકાના પ્રજાજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ, મીડિયાકર્મીઓ વગેરેએ ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી.

કાર્યક્રમના અંતે પોલીસ બૅન્‍ડની સૂરાવલીઓ સાથે રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. ત્‍યાર બાદ મંત્રી શ્રી રમણલાલ પાટકર અને  મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતુ.

આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્‍યો સર્વે કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારી સહિત  શહેરી જનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

પારડી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..