Back

કોરોના ઇફેક્ટ: મોરેશિયસમાં ફસાયેલા ભારતના યુવાનોની આજીજી : અમારે ભારત આવવું છે : રાજપીપલા નો યુવાન પણ ફસાયો

કોરોના ઇફેક્ટ: મોરેશિયસમાં ફસાયેલા ભારતના યુવાનોની આજીજી : અમારે ભારત આવવું છે


રાજપીપળા:  જુનેદ ખત્રી

કોરોનાનો કેહેર આખા ભારત દેશમાં છે. ભાગ્યેજ કોઈ એવું રાજ્ય હશે જ્યાં કોરોનાએ દસ્તક ન દીધી હોય.ભારતમાં હાલ લોકડાઉન જાહેર થયું છે, દેશમાં વાહનવ્યવહાર અટકી ગયો છે.જેને કારણે પોતાનું વતન છોડી ધંધા રોજગાર અર્થે ગયેલા ઘણા લોકો ફસાયા છે. જોકે તંત્ર દ્વારા એમને વતન પરત મોકલવાની વ્યવસ્થાઓ કરાઈ રહી છે. બીજી બાજુ વિદેશથી પરત આવતી મોટે ભાગની એરલાઇન્સ પણ લગભગ બંધ છે. જેને કારણે અભ્યાસ અથવા ધંધા અર્થે ભારતમાંથી વિદેશ ગયેલા લોકો વિદેશોમાં ફસાયા છે, એમને ખાવા-પીવાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા જ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાનો એક યુવાન હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ અર્થે મોરેશિયસ ગયો હતો એ યુવાન હાલ ત્યાં ફસાયો છે. એની સાથે આવા ભારતના 300 જેટલા યુવક યુવતીઓ છે. હાલની પરિસ્થિતિ મુજબ તે તમામ લોકો મોરેશિયસમાં કોરોના વાયરસને લીધે લોકડાઉન છે. તકલીફોને લીધે હવે તેમને પરત પોતાના વતન આવવું તો છે પણ દરેક ફ્લાઈટ ફૂલ હોવાથી તેઓ અહીં આવી શકે એવી સ્થિતિમાં નથી.તેઓ રડતી આખે પીએમ મોદીને ભારત આવવા આજીજી કરી રહ્યા છે.


એ યુવાનો પૈકી ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાના રહેવાસી વિશાલ મહંતે પોતાની આપવીતી જણાવી હતી. વિશાલના જણાવ્યા મુજબ એ વડોદરાની IIHM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ) ના માધ્યમથી 6 મહિનાની ઇન્ટરશિપ માટે મોરેશિયસ ગયો હતો. એમણે જણાવાયું હતું કે 1.20 લાખ ફી જમા કરાવો તો તમને ત્યાં રહેવા, જમવાની સગવડ કરી આપવામાં આવશે સાથે સાથે સ્ટાઈપેન્ડ પણ મળશે. પણ અમે ત્યાં ગયા તો અમારે અમારા ખર્ચે રહેવાની જમવાની સગવડ કરવી પડી, ઉપરથી અમને સ્ટાઈપેન્ડ પણ નક્કી કર્યું હતું એના કરતાં ઓછું આપ્યું.કોરોના વાયરસને લીધે 6 મહિનાની ઇન્ટરશિપ 4 મહિનાની કરી દેવાઈ.હાલમાં અમે પણ લોકડાઉન છે પોલીસ અમને બહાર નીકળવા દેતી નથી. જે હોટેલમાં અમે ઇન્ટરશિપ કરી એ હોટેલે પણ અમને કહ્યું કે તમે તમારી રીતે ભારત જતા રહો, કોરોના વાયરસને લીધે તમને કઈ થશે તો જવાબદારી અમારી રહેશે નહિ.મારી સાથે રહેતા ગુજરાતના અન્ય 10 લોકો તો પોતાના ઘરે પહોંચી ગયા છે પણ હું અને ભારતના વિવિધ રાજ્યોના 300 જેટલા યુવક-યુવતીઓ હાલમાં પણ અહીંયા ફસાયેલા છે.અમે એર ઇન્ડિયામાં બુકીંગ કરાવ્યું ત્યારે એર મોરેશિયસના લોકોને ફ્લાઈટમાં બેસાડી દેવાયા અને અમારું નામ લિસ્ટમાં પણ ન આવ્યું આમારી સાથે છેતરપીંડી થઈ છે.

ત્યાં ટ્રેનિંગ માટે ગયેલા ભારતના અન્ય યુવાનોએ એક વિડીયો પણ જાહેર કર્યો છે, જેમાં પીએમ મોદીને સંબોધી જણાવ્યું છે કે કોરોના વાયરસને લીધે મોરેશિયસમાં સ્થિતિ બગડી રહી છે.અમારા માટે યોગ્ય માસ્ક પણ ઉપલબ્ધ નથી, અમારી પાસે પૈસા પણ ખતમ થઈ ગયા છે. અમારું પરિવાર અમારી ઘણી ચિંતા કરી રહ્યું છે. અમને કઈ થઈ જાય તો અમારી દેખભાળ માટે પણ અહીંયા કોઈ જ નથી, અમારે ભારત પરત આવવું છે તમે કોઈ વ્યવસ્થા કરો એવી અમારી માંગ છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..