Back

કોરોના સંકટ વચ્ચે મોરબી જિલ્લા કંટ્રોલરૂમ સતત કાર્યરત પર ફોન કરી અનેક લોકોએ મદદ મેળવી

વતન પરત જવા, ભોજનની વ્યવસ્થા, અંગે પૂછપરછ કરાઈ 

૦૨૮૩૨-૨૪૩૩૦ જિલ્લા કંટ્રોલ રૂમ તેમજ ૧૦૭૭ સ્ટેટ કંટ્રોલ રૂમના નંબર પરથી અનેક લોકોને માર્ગદર્શન અપાયું

કોરોના વાઇરસની સામે લડત માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ દેશમાં ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાતકરવામાં આવી છે. કોરોના વાઇરસની ચેઇનને તોડવા માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નાગરિકોને કોઇપણ જાતની તકલીફ ન પહોંચે તે માટે સિનિયર અધિકારીઓની સતત દેખરેખ તેમજ કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીઓમાં જિલ્લા મથકે નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. 

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના નંબર ૦૨૮૩૨-૨૪૩૩૦૦ તેમજ ૧૦૭૭ છે. કંટ્રોલરૂમમાં ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક સિનિયર અધિકારીઓ સહિતના અન્ય કર્મચારીઓને ડ્યુટી ફાળવવામાં આવી છે. મોરબી જિલ્લા કંટ્રોલરૂમ થયા અનેક લોકોએ ફોન કરીને વિવિધ પ્રકારની મદદ માંગી છે. 

જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં મોરબી જિલ્લામાં વસતા લોકોએ લોકડાઉન બાદ પોતાના વતન બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ જવાનું છે તેમ કહીને પૂછપરછ કરી હતી. તો કોઇએ ગુજરાત રાજ્યના જ અન્ય જિલ્લાઓમાં જવા અંગે પણ માહિતી માંગી હતી. 

        હેલ્પલાઇન શરૂ થયા બાદ સૌથી વધુ જમવાની વ્યવસ્થા અંગે ફોન કરીને માહિતી માંગવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. તંત્ર દ્વારા આ અંગે ફોન કરનારનું નામ, સરનામુ અને કેટલા લોકોના જમવાની વ્યવસ્થા કરવાની છે તે અંગેની માહિતી મેળવી સબંધિત અધિકારીઓને આ અંગે જાણ કરી લોકો સુધી ભોજન પહોંચાડવાની કામગીરી પણ કંટ્રોલરૂમ માંથી કરવામાં આવી છે.  

લોકડાઉનની જાહેરાત બાદ અને લોકોને ઘરમાં જ રહેવાની સુચના મળ્યા પછી આવશ્યક અને જીવન જરૂરિયાત વસ્તુઓ જેવી કે શાકભાજી, કરિયાણુ, દુધ વગેરે ક્યાંથી મળશે તેવી પણ માહિતી લોકોએ કંટ્રોલરૂમમાં ફોન કરીને મેળવી હતી. 

લોકડાઉન દરમિયાન કોઇએ બેન્કમાં પૈસા ઉપાડવા જવા છે પરંતુ જવા દેતા નથી તેમ કહીને પણ મદદ માંગી તો કોઇએ પાસ મેળવવા માટે પણ ફોન કરીને માહિતી મેળવી હતી. કોઇએ રાશન ખુટી ગયેલ છે, પૈસા નથી મદદની પુકાર કરી હતી. કોઇએ કહ્યું કે વતન જવું છે કંપની વાળા કોઇ વ્યવસ્થા નથી કરી આપતા તેમ જણાવીને તંત્ર પાસે મદદ માંગી હતી. તો કોઇએ વાહનમાં ગેસ પુરાવવા અંગે પણ પુછપરછ કરી હતી. વળી એક એવો પણ ફોન આવ્યો હતો કે જેમાં વ્યક્તિએ અમારા વિસ્તારમાં ૧૦-૨૦ જણાનું ટોળુ બહાર ફરી રહ્યું છે હોવાની માહિતી પણ આપી હતી. એક વ્યક્તિએ પોલીસ દ્વારા પોતાની બાઇક ડિટેઇન કરવામાં આવી હોવાથી તે અંગે જરૂરી મદદ માંગી હતી. 

કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર તેમજ સમગ્ર વહીવટીતંત્ર વધુ સતર્ક બની પુરજોશમાં કામગીરી કરી શકે લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમ થકી નાગરિકોને પોતાના સ્થળ પરથી જ મદદ મેળવી શકે અને વહિવટી તંત્ર દ્વારા તેનું તાત્કાલીક નિરાકરણ આવે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તો કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર કર્મચારીઓ દ્વારા કોલ કરનારનું નામ, મોબાઇલ નંબર, સરનામુ, તારીખ અને સમય, કારણ, સબંધિત અધિકારીને જાણ કરવામાં આવી હોય તેવી વિગતો રજીસ્ટરમાં નોંધવામાં આવે છે.

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..