Back

નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે જિલ્લાની બહાર અવરજવર પર કેટલાક નિયંત્રણો લદાયા

 નર્મદા નોવેલ કોરોના વાયરસ (COVID-19)


નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે જિલ્લાની બહાર અવરજવર પર કેટલાક નિયંત્રણો લદાયા


નર્મદા -અનીશ ખાન બલુચી 


નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઇપણ સરકારી /અર્ધસરકારી અધિકારી/કર્મચારી હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઇ શકશે નહીં કે નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે અપડાઉન (અવરજવર) કરી શકશે નહીં


  રાજપીપળા, બુધવાર - વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 નો એક પણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી, પરંતુ નર્મદાના આસપાસના જિલ્લાઓમાં જેવા કે છોટાઉદેપુર, વડોદરા, સુરતમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના પોઝીટીવ કેસો નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ના સંક્રમણને અટકાવી શકાય તે માટે આ જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લામાં બિનજરૂરી અવરજવર પર નિયંત્રણ મુકવાની જરૂરિયાતને અનુલક્ષીને તેમજ નોવેલ કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર. કોઠારીએ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ – ૩૪  હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૮/૦૪/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૪/૦૪/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી કેટલાંક નિયંત્રણો જાહેર કરી નર્મદા જિલ્લાની બહાર બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


તદ્અનુસાર, નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા તમામ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારી, હેડક્વાર્ટર છોડી જિલ્લાની બહાર જઈ શકશે નહીં. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા કોઈપણ સરકારી/ અર્ધસરકારી અધિકારી / કર્મચારી નર્મદા જિલ્લા અને અન્ય જિલ્લા વચ્ચે, અપ-ડાઉન (અવર-જવર) કરી શકશે નહીં. જો કોઈપણ સરકારી/અર્ધસરકારી અધિકારી / કર્મચારીઓને ખાસ કારણોસર નર્મદા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવાનાં સંજોગો ઉપસ્થિત થાય તો સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી (મામલતદાર) પાસેથી ખાસ કિસ્સા તરીકે પરવાનગી લઈ આ હેતુ માટે ખાસ નક્કી કરેલ પાસ મેળવી નર્મદા જિલ્લાની બહાર જઈ શકશે. આ પ્રકારના પાસમાં ઈન્સીડન્ટ કમાન્ડર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીએ અધિકારી / કર્મચારીનો પ્રવાસ કરવાનો ચોક્કસ સમય, તારીખ, મુસાફરીનો રૂટ તથા પરવાનગી આપવા માટેનું સ્પષ્ટ કારણ દર્શાવવાનું રહેશે. પોલીસ વિભાગ દ્રારા આ અંગે જરૂરી ચકાસણી કરવાની તકેદારી રાખવાની રહેશે.

  

આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તાર માં લાગુ પડશે. આ હુકમની અમલવારી તા.૦૮/૦૪/૨૦૨૦ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૪/૦૪/૨૦૨૦ ના ૨૪:૦૦ કલાક સુધી કરવાની રહેશે. સરકારી વાહનમાં સરકારી ફરજના કામે જિલ્લા બહાર જતા અધિકારી / કર્મચારીને આ જાહેરનામાની જોગવાઇઓ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ – ૧૮૮ અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..