Back

ટંકારાના સખીમંડળની બહેનો દ્વારા ૫૦૦૦ થી વધુ માસ્ક તૈયાર કરાયા

કોરોના વાયરસની મહામારીની સાવચેતીના  ભાગરૂપે સખીમંડળોએ કરેલી મહેનત રંગ લાવી

મોરબી, તા. ૮ એપ્રિલ

કોરોના વાયરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરિયાત ઉભી થતાં મોરબી જિલ્લાના ટંકારાની સખી મંડળની બહેનો દ્વારા ૫ હજારથી વધુ માસ્ક બનાવી આપ્યા છે. કોરોનાની મહામારી સામે લડવા સખી મંડળની બહેનો દ્વારા ઘેર બેઠાં માસ્ક બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરી રહી છે.

ટંકારા તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખા તળે બનેલાં સ્વ-સહાય જૂથોની સખી મંડળોની બહેનો દ્વારા ૫૦૦૦ થી વધુ માસ્ક બનાવવામાં આવ્યા. જેમાંથી ૨૦૦૦ માસ્ક સખી બહેનો દ્વારા "વિના મૂલ્યે" આપવામાં આવ્યા તથા ૩૦૦૦ માસ્ક તાલુકા પંચાયતનાં સ્ટાફ અને RDC, ટંકારાની તમામ શાખાઓનાં સહયોગથી બનાવવામાં આવ્યા. ૩૦૦૦ થી વધુ માસ્ક જિલ્લા કક્ષાની કચેરીઓ માટે અને ૨૦૦૦ થી વધુ માસ્ક તાલુકા કક્ષાની કચેરીઓમાં આપવામાં આવશે.

આ બાબતે સખી મંડળોને બહેનોએ લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં જયારે લોકો પોતાનો રોજગાર છોડીને ઘરે બેઠાં છે ત્યારે અમારી સખી મંડળની બહેનો ઘરે બેઠાં માસ્ક બનાવવાની પ્રવૃત્તિ દ્વારા આજીવિકા મેળવી રહી છે અને આ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રસેવામાં સહભાગી બનવાની અમૂલ્ય તક મળેલ છે જે માટે અમે ગર્વ અનુભવીએ છીએ.

નોધનીય છે કે આજે કોરોનાની મહામારીના સમયમાં મો દ્વારા વાયરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોશ્વાસ દ્વારા વાયરસ ફેલાય નહી તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે જેમને શરદી, ખાસી  કે તાવ જેવા લક્ષણો જણાતા હોય તેમણે માસ્ક પહેરવું હિતાવહ છે.  

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..