Back

વઘઇ,સાપુતારા,આહવા ખાતે કોરોના વાઇરસ સલામતિ ના ભાગરૂપે ડાંગમાં ૩ શેલ્ટર હોમ શરૂ કરાયા.

વાત્સલ્ય ન્યૂઝ ડાંગ

સાપુતારા ખાતે ૧૬૦,વધઇ ખાતે ૪૦ અને આહવા ખાતે ૬૦ વ્યક્તિઓ રહી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા શરૂ કરવામાં આવી..

ડાંગ.આહવા તા.૦૮ઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આપણો ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ એમાં બાકાત રહયું ન હોવાથી સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક તમામ પગલાઓ લેવામાં આવ્યા છે.

કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન અસરકારક ઉપાય છે. ડાંગ જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની સરહદ ઉપર આવેલો હોઇ અહીંથી મહારાષ્ટ્ર જવાના તમામ રસ્તાઓના નાકા ઉપર આરોગ્ય અને પોલીસ તેમજ વન વિભાગની ટીમ ૨૪ કલાક ફરજ બજાવી રહી છે. રાજ્યબહાર કામ-ધંધાર્થે ગયેલા લોકો બહારના રાજ્યમાંથી પગપાળા કે અન્ય વાહનો દ્વારા જ્યારે આવી ચડે છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે તેઓને સરકારશ્રીના દિશા-નિર્દેશ અનુસાર રાખવા પડે છે.

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બેંગ્લોરથી રાજસ્થાન પગપાળા જવા નીકળેલા શ્રમિકો આવી ચડતા તુરંત ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેઓને ઝડપી લઇ ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરને જાણ કરાતા તુરંત તેઓને સાપુતારા પ્રવાસન વિભાગના (ડોરમેટરી) શેલ્ટર હોમમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. સાપુતારા-વધઇ આંતર રાજ્ય ધોરીમાર્ગ હોવાથી કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે.

પ્રાંત અધિકારી શ્રી કાજલબેન ગામીતે તા.૦૭/૦૪/૨૦૨૦ ના રોજ સત્વરે સાપુતારા ખાતે પહોંચી જઇ ક્વોરન્ટાઈન કરાયેલા શ્રમિકોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓની ચકાસણી કર્યાની વિગતો મેળવી હતી.

ડિઝાસ્ટર મામલતદારશ્રી જયેશભાઇ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કુલ ત્રણ શેલ્ટર હોમ કાર્યરત કરાયા છે. જેમાં એક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ હસ્તક ડોરમેટરી કે જ્યાં કુલ ૧૬૦ લોકો રહી શકે તેવી સગવડ ધરાવે છે. જ્યાં રહેલા લોકોને રહેવા-જમવાની સગવડ વિનામૂલ્યે કરવામાં આવે છે. પ્રવાસન મેનેજર શ્રી રાજુભાઇ ભોંસલે ત્યાંના નોડલ ઓફિસર છે. જ્યારે ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર એવા વધઇ ખાતે બીજુ શેલ્ટર હોમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની હોસ્ટેલ છે. અહીં કુલ-૪૦ લોકોને રાખી શકાય તેવી સુવિધા છે. અને જિલ્લા મથક આહવા ખાતે ત્રીજુ શેલ્ટર હોમ આત્મા પ્રોજેક્ટ હેઠળનું ખેડૂત તાલીમ કેન્દ્ર છે. જેમાં કુલ-૬૦ માણસોની રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વધઇ અને આહવા ખાતે મામલતદારશ્રીઓ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..