Back

માણસાના ધારાસભ્યના પિતરાઈનું કોરોનાને કારણે અમેરિકાના ન્યૂજર્સીમાં મોત

વિશાલ બગડીયા અમદાવાદ ગુજરાત 

ગાંધીનગર. વિશ્વમાં જગત જમાદાર ગણાતું અમેરિકા કોરોના વાઈરસના ભરડામાં આવી ગયું છે, ત્યારે કોરોના વાઈરસથી માણસાના ધારાસભ્ય સુરેશ પટેલના પિતરાઈ ભાઈ અરવિંદ પટેલનું ન્યૂજર્સીમાં મોત થયું છે. તેમના મોટાભાઇ એક મહિના પહેલા જ અમેરિકામાં તેમના નાનાભાઇના પત્નીના ખબર અંતર પૂછવા ગયા હતા, તે સમયે કોરોનાએ તેમને ઝપટમાં લીધા હતા.

નાનાભાઈની કેન્સરગ્રસ્ત પત્નીના ખબર પૂછવા ગયા અને કોરોનાનો શિકાર થયા
ગાંધીનગરના માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલો છે. જ્યાં તેમના 300 સભ્યોનો પરિવાર બિઝનેસ સાથે સંકળાયેલો છે. તેથી તેમની આવન-જાવન અમેરિકા અને વતનમાં રહેતી હોય છે. જેના પગલે સુરેશભાઈ પટેલના કાકાના દીકરા અરવિંદભાઈ પટેલ એક મહિના પહેલા કલોલ પાસે આવેલા વતન પલિયડથી અમેરિકા ગયા હતા. અરવિંદભાઈ તેમનાથી નાના ભાઇના પત્નીને કેન્સરની બીમારી હોવાથી, તેમના ખબર પૂછવા માટે ગયા હતા. ત્યારબાદ તેમની પુત્રીને ત્યાં થોડો સમય રોકાયા હતા. થોડો સમય બાદ તેમને ખાંસી અને શરદીની સમસ્યા થઈ હતી. તેથી સ્થાનિક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. જેમાં તેમનો કોરોના પોઝિટિવ આવતા સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ બુધવારે અરવિંદભાઈએ અમેરિકાના ન્યૂજર્સીમા અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હજાર લોકોના કોરોના વાઈરસના કારણે મોત થયા છે, ત્યારે માણસાના ધારાસભ્યના મોટાભાઈ અરવિંદભાઈનું પણ અવસાન થતા માણસા તાલુકા અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં શોક ફેલાઈ ગયો હતો.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..