Back

ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સાબરકાંઠાના ૭૧૨ ગામોમાં સમર્પણ પ્રયાસ કરાશે

વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠા

ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સાબરકાંઠાના ૭૧૨ ગામોમાં સમર્પણ પ્રયાસ કરાશે

૧૦ હજારથી વધુ કાર્યકરો મંદિર નિર્માણની લોકચેતના જગાવવાનું કાર્ય કરશે.


અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન શરૂ કરીને દરેક શહેર, ગલી અને મહોલ્લાઓમાં જઇને દરેક હિંદુનો રામ મંદિર નિર્માણ માટે સહયોગ લેવા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા આયોજન કરાયુ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ૭૧૨ ગામોમાં ૧૦ હજારથી વધુ કાર્યકરો દરેક હિંદુનો સંપર્ક કરી નિધિ સમર્પણ સમિતિને સહયોગ આપવા લોકચેતના જગાવવાનું કાર્ય કરશે. આ અભિયાન તા.૨૭ જાન્યુઆરી સુધી ચાલશે.


શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનના જિલ્લા પ્રમુખ હિતેષભાઇ પટેલ અને મીડીયા પ્રમુખ રાહુલભાઇ ભટ્ટના જણાવ્યા મુજબ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્રના નિર્માણ માટે ટ્રસ્ટ સરકાર પાસેથી કોઇ પૈસા નહિ લે અને રામ ભકતો ગામે ગામ અને જન જન સુધી પહોંચી દરેક વ્યકિતને રામ તેમજ રામ મંદિર સાથે જોડવાનો પ્રયાસ કરી દરેક હિંદુનો રામ મંદિર નિર્માણ માટે સહયોગ લેશે. દેશભરમાં ૫,૨૩,૩૯૫ ગામોમાં ૧૩ કરોડથી વધુ પરિવારોના ૬૫ કરોડ હિંદુઓનો સંપર્ક કરીને ભવ્ય રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન પૂર્ણ કરાશે તેમ જણાવ્યુ હતું. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના ૭૧૨ ગામોમાંથી પ્રત્યેક ગામમાં શત-પ્રતિશત સંપર્ક અને દરેક હિંદુથી સમર્પણ કરાવવા સાથે લોકચેતના જગાવવા ૧૦ હજારથી વધુ રામ ભકત કાર્યકરો કામે લાગશે. ઉદ્યોગપતિ અને એશિયન પરિવારવાળા હસમુખભાઇ પટેલની અધ્યક્ષતામાં એક નિધિ સમર્પણ સમિતિ બનાવાઇ છે.


સાબરકાંઠા જિલ્લામાં તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૦ થી પ.પૂ. શાંતિગીરીજી મહારાજની નિશ્રામાં યોજાયેલ સંત સંમેલન બાદ સમગ્ર અભિયાન તા.૨૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ચાલશે. જેમાં મંદિર નિર્માણ માટે દાન મહત્વનું નથી પરંતુ મંદિર નિર્માણ માટે રામ ભકતોને રામ સાથે જોડવાનો હેતુ છે. સમગ્ર દેશભરમાંથી રામ મંદિર નિર્માણ માટે કરોડોનું દાન આવી રહ્યુ છે ત્યારે અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર વિશ્વભરમાં વખણાશે તેમાં કોઇ બેમત નથી તેમ સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતું. રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનમાં જૈન સમાજનો પણ અદ્વિતીય ઉત્સાહ દેખાઇ રહ્યો છે. પૂજય પદ્મસાગર સુરિશ્વર મહારાજની પ્રેરણાથી જૈન સમાજે પહેલા જ એક ૨૫ કિલોની ચાંદીની ઇંટ રામ મંદિરના નિર્માણ માટે આપી હતી. ત્યારબાદ પણ તેઓએ વધુને વધુ સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ભગવાન રામ ઇશ્વાકુ વંશના હતા અને ચોવીસમાંથી બાવીસ તીર્થકંર ઇશ્વાકુ વંશના જ હતા તેથી દરેક જૈનને એવું લાગી રહ્યુ છે કે આ રામ મંદિર એમનું પોતાનું રામ મંદિર છે. જેથી તેઓ મંદિર માટે આર્થિક યોગદાન તો કરી રહ્યા છે પરંતુ ગામે ગામ લોકોનો સંપર્ક કરી લોકચેતના જગાવવાનું કાર્ય કરશે અને આવનારા ત્રણ વર્ષમાં જ એટલે કે ૨૦૨૩ ના અંત સુધીમાં રામ મંદિરના શિખર પર ભવ્ય ભગવા પતાકા લહેરાશે.


આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી ધર્મેન્દ્રભાઇ ભાવાણી, જિલ્લા અધ્યક્ષ મનહરભાઇ સુથાર, નગર અધ્યક્ષ હિતેશભાઇ પટેલ, રમેશભાઇ.કે.પટેલ, પરિમલભાઇ પંડિત, ભરતભાઇ રાવલ અને કેતનભાઇ સહિત વીએચપીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..