Back

સાબરકાંઠામાં કોરોના વેકિસનનું આગમન

 વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠા


સાબરકાંઠામાં કોરોના વેકિસનનું આગમન


૧૬ હજારથી વધુ ડોઝ હિંમતનગરના કોલ્ડ સ્ટોરેજમાં રખાયા

કોરોના વોરિયર્સને વિનામૂલ્યે રસી અપાશે.

રાજયભરમાં કોરોના મહામારીએ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાની રસીને કેન્દ્ર સરકારે મંજુરીની મહોર મારી રસીને વિવિધ રાજયોમાં મોકલવાના આયોજન બાદ ગુજરાતમાં પણ કોરોનાની રસી આવતા આ રસીના અંદાજે ૧૬ હજારથી વધુ કોવિશિલ્ડ વેકિસનના ડોઝ બુધવારે આરોગ્ય વિભાગની નિગરાનીમાં સાબરકાંઠામાં મોકલાતા કોવિશિલ્ડ રસીનું આગમન થઇ ગયુ છે. જે રસીના રસીકરણનો પ્રારંભ તા.૧૬ જાન્યુઆરીથી કરાશે. તેમાં સૌપ્રથમ કોરોના વોરિયર્સને વિનામૂલ્યે રસી આપવાની સંભાવનાઓ વ્યકત થઇ રહી છે. રસીનો આવેલ જથ્થો હાલમાં સાબરકાંઠા આરોગ્ય વિભાગની નિગરાનીમાં જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.


જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.રાજેશ પટેલ અને વેકિસનેશનની કામગીરી સંભાળતા હિંમતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી ર્ડા.જયેશ પરમારના જણાવ્યા મુજબ બુધવારે સરકારના આરોગ્ય તંત્ર દ્વારા ગ્રીન કોરીડોરના માધ્યમથી ગાંધીનગરથી ૧૬ હજારથી વધુ કોવિશિલ્ડનો ડોઝ ચુસ્ત બંદોબસ્ત સાથે લવાયો છે. હાલમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં રખાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લામાં લગભગ ૯૦૦ કોરોના વોરિયર્સને વિનામૂલ્યે કોવિશિલ્ડ વેકિસન આપવાની જાહેરાત કરાયા મુજબ વેકિસનેશનનો કાર્યનો તા.૧૬ જાન્યુઆરીથી પ્રારંભ કરાશે તેમજ આવેલા રસીના જથ્થાને અન્ય તાલુકાઓના સ્થળો પર મોકલવા માટે પણ આગોતરૂ આયોજન કરી દેવાયું છે. જે જથ્થો તા.૧૫ જાન્યુઆરીના રોજ મોકલી અપાશે.


વેકિસનેશનના શુભારંભ અગાઉ વેકિસનેશનની કોરોના વોરિયર્સને આપવાની પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના તજજ્ઞોને પણ તે સમયે ઉપસ્થિત રખાશે અને તેમાં રસીની માત્રા ૦.૫ એમએલ રાખવાની સુચના કોવિશિલ્ડના વાયલ પર દર્શાવાઇ છે, સાથો સાથ કોરોના વોરિયર્સને આ રસીના ડોઝ વિનામૂલ્યે અપાશે. બીજા તબક્કામાં કોરોના વેકિસનેશનનો કાર્યક્રમ જાહેર થયા બાદ રાજય સરકાર દ્વારા જે સુચનાઓ મળશે તેને જિલ્લા આરોગ્ય તંત્ર અમલી બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં અપાનાર કોવિશિલ્ડ રસી જેને આપવામાં આવશે તે વ્યકિત આરોગ્ય વિષયકનો જાણકાર હશે બાકીના વ્યકિતઓ તે અંગેની કામગીરીમાં સાથે જોતરાશે. ઉપરાંત તા.૧૫ જાન્યુઆરીના રોજ હિંમતનગરથી કોવિશિલ્ડ રસીનો જે જથ્થો તાલુકા મથકે મોકલાશે તેની સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથેની વિગતો રાજયના આરોગ્ય વિભાગને મોકલાશે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..