Back

પાલિકાનાં સુએજ પ્લાન્ટની લિકેજ પાઇપલાઇનથી ઉદભવેલી સમસ્યા

પાલિકાનાં સુએજ પ્લાન્ટની લિકેજ પાઇપલાઇનથી ઉદભવેલી સમસ્યા

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહેતાં રહિશો અને મહિલાઓને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે વોર્ડ નં.7માં આંબાવાડી વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીમાં પાલિકાના સુએજ પ્લાન્ટની પાઈપલાઈન ઘણા સમયથી લીકેજ હોય રહિશોને હાલાકી પડી રહી છે.ગંદકીના કારણે ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે ત્યારે આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મુલાકાત લઈ લોકોની રજુઆતો સાંભળી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના નવા વોર્ડ નં.7માં આંબાવાડી વિસ્તારમાં આવેલ નાથબાવા સોસાયટીમાં અનેક ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રહેણાંક સોસાયટીમાંથી નીકળતી સુએજ પ્લાન્ટની પાઈપલાઈન લીકેજ હોવાથી તેના ગંદા અને દુષીત પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળતાં સ્થાનિક રહિશોને હાલાકી પડી રહી છે અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.


તેમજ ગંદકીના કારણે ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા તથા મહામંત્રી મયુરસિંહ ચુડાસમા, મોહનભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ મુલાકાત લીધી હતી અને તાત્કાલીક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય નિકાલ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત પાલિકા દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ આંબાવાડી વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે સુએજ પ્લાન્ટની પાઈપલાઈન લીકેજ થતાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારોમાં ગંદુ પાણી ફરી વળતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં કોઈ જ ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

સુરેન્દ્રનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..