Back

જંબુસર મતદાર જાગૃત્તિ રેલીને ભરૂચ નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલે લીલી ઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન.

આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે ભરૂચ જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાનાં માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – ભરૂચ દ્વારા જિલ્લાના જંબુસર ખાતે મતદાર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત તાલુકાકક્ષાની મોટરબાઈક રેલીનું આયોજન પ્રાંત અધિકારીની કચેરીએથી કરવામાં આવ્યું હતું. મતદાર જાગૃતિ રેલીને નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી એ.કે.કલસરીયા, મામલતદારશ્રી જી.કે.શાહ, મદદનીશ સ્વીપ નોડલ અધિકારી દિવ્યેસભાઈ પરમાર સહિત જિલ્લા શિક્ષણાધિકારી સ્ટાફ હાજર રહ્યા હતા. મતદાર જાગૃત્તિ મોટરબાઈક રેલીમાં “મતદાન – મહાદાન”, “મત આપો દેશ બચાવો“, ૧૮ વર્ષની કરી ઉંમર પાર, હવે મળ્યો મતનો અધિકાર, ચાલો આપણે કરીએ મતદાન”,“લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ”, “છોડો આપના બધા કામ-ચાલો કરીએ
પહેલા મતદાન”, “તમારો મત લોકતંત્રની જાન”, “મતદાનનું મૂલ્ય સમજીએ-મતદાનની તકના ગુમાવીએ”, “યુવાઓનું મતદાન એ લોકશાહીની શાન છે”વગેરે જેવા બેનર્સ-પ્લેકાર્ડ સાથેની આ રેલીએ નગરજનોમાં અચૂક મતદાન કરવાનો સંદેશો ગુંજતો કર્યો હતો અને તા.૨૮ મી
ફેબ્રુઆરી ના રોજ ભરૂચ જિલ્લો પણ અચૂક મતદાન કરશે તેવો સંદેશો આપ્યો હતો.
જનજાગૃત્તિ મોટરબાઈક રેલી પ્રાંત કચેરીએથી નિકળી શહેરના માર્ગો પર ફરી પ્રાંત કચેરીએ,પરત ફરી હતી જેમાં જંબુસર શહેર અને તાલુકાના શિક્ષકો જોડાયા હતા.
આવતીકાલે તા.૨૫/૦૨/૨૦૨૧ નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરી ખાતેથી ભરૂચ તાલુકાની બાઈકરેલીનું આયોજન કરવામાં આવેલ છે જે કલેક્ટર કચેરીથી શક્તિનાથ, પાંચબત્તી, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ,શિતલ સર્કલ, ભોલાવ બ્રીજ થઈ કલેક્ટર કચેરી ખાતે સમાપન થશે.

 

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..