Back

રાજકોટ: વિંછીયાના આધેડે ગાળ દેતા બે શખ્સોએ માથામાં પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

અહેવાલ : મિલન મહેતા, રાજકોટ

રાજકોટના હોસ્પિટલ ચોક નજીક હત્યા નિપજાવી આરોપીઓ ફરાર થઈ ગયાની ઘટના સામે આવી હતી. અજાણ્યા આધેડના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બનાવના પગલે ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા, એ.ડિવિઝન પીઆઇ સી.જે. જોશી સહિતનો કાફલો દોડી ગયો હતો. શ્રમિક જેવા દેખાતા મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી અને આરોપીઓની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ કાળુ પાલાભાઈ પરમાર અને વિંછીયાના પીપરડી ગામના રહેવાસી છે. જેથી તેમના પરિવારને જાણ કરાઇ હતી. બાદમાં પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે.

મળતી વિગત મુજબ રાત્રે આઠેક વાગ્યા આસપાસ શહેરના હોસ્પિટલ ચોક નજીક અજાણ્યા શ્રમિક જેવા દેખાતા આધેડની માથામાં ઇજા સાથે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. કોઈએ પોલીસને જાણ કરતા ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા, એ.ડિવિઝન પીઆઇ સી.જી.જોશી અને પોલીસ સ્ટાફ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ કોઈએ આધેડના માથામાં પથ્થર જેવા બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને મૃતક અને આરોપોઓની ઓળખ મેળવવા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. હાલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ત્યાંના શ્રમિકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

બનાવના પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ક્રાઈમ બ્રાંચ તથા એ ડિવિઝનની જુદી જુદી ટીમો તપાસમાં લાગી હતી. દરમિયાન મૃતકનું નામ કાળુ પાલાભાઈ પરમાર (ઉં.વ. 50, રહે. મૂળ પીપરડી આલાખાચરની, તા.વિંછીયા) હોવાની જાણકારી મળી હતી. તેમજ સીસીટીવી ફૂટેજથી શખ્સોની ઓળખ કરી ક્રાઈમ બ્રાંચે અમિત ભગવાન જેઠવા (ઉ.વ. 36 રહે. દેવપરા શાક માર્કેટ પાસે) તેમજ મયુરસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ.34 રહે ત્રાપજ તા. તળાજા જી. ભાવનગર,હાલ માધાપર ચોકડી પાસે)ને દબોચી લીધા હતા.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલ ચોકમાં ત્રણેય બેઠા હતા ત્યારે આરોપીઓ અને મૃતક વચ્ચે પ્રથમ કોઈ કારણોસર બોલાચાલી થતા આઘેડે ગાળ આપતા ગાળાગાળી થયા બાદ આરોપીઓએ આધેડના માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી હતી. હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યાં ઝૂંપડું બનાવી રહેતા મજૂર પરિવારની મહિલા આ જોઈ જતા તેમણે તેના પતિને જાણ કરી હતી અને બાદમાં કોન્ટ્રાક્ટરને વાત કરી પોલીસને જાણ કરી હતી.

પીપરડી ખાતે રહેતા મૃતકના પુત્ર દિનેશભાઈને જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ મૃતક મજૂરી કામ કરતા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હાલ હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..