Back

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાયી

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાયી


રાજપીપલા : જુનેદ ખત્રી

ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના જુદા જુદા  વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા સદસ્યઓ સાથે જરૂરી પરામર્શ સાથે તેનું સુચારૂ આયોજન ઘડી કાઢીને જિલ્લા-તાલુકાના સ્થાનિક, યોગ્ય અને સક્ષમ ઈજારદારો દ્વારા આવા વિકાસ કામો હાથ ધરાય તે અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તે મુજબની કામગીરી થાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.

          
છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિની ઉક્ત બેઠકને સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પારદર્શક  વહિવટ થકી સમાજના ગરીબ અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ  સાથે ભારતને સમૃધ્ધ રાષ્ટ્ર બનાવવાની દિશાના ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લાની  દિશા મોનીટરીંગની બેઠકને વિશેષ મહત્વ વડાપ્રધાનશ્રી દ્વારા અપાઇ રહ્યું છે, અને જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ આ સમિતિ રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

          સાંસદ મનસુખભાઈ વસાવાએ દિશા મોનીટરીંગ સમિતિના ઉપલક્ષમાં  જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, કૃષિ–સિંચાઇ, પશુપાલન, જળસંચય, આદિજાતિ કલ્યાણ, માર્ગ અને મકાન, ઉદ્યોગ- રોજગાર, કૌશલ્યવર્ધન, બેન્કિંગ ધિરાણ, સહકાર, માર્ગ પરિવહન વગેરે જેવા ક્ષેત્રોમાં  નર્મદા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી હાથ ધરવા ઉપરાંત રાજપીપલા શહેરની ભૂગર્ભ-ગટર યોજનામાં ઝડપ સાથે અગ્રિમતા ગેસ પાઇપલાઇનની કામગીરી થકી શહેર-જિલ્લાના નાના મોટા પ્રશ્નો જિલ્લા-તાલુકાની ટીમ સંકલન-સમન્વયથી ઝડપથી ઉકેલીને વિકાસની ઉંચાઇના નવા શિખરો સર કરીને એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ  અંતર્ગત નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં મોખરે રહે તેવા સહિયારા પ્રયાસો પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.      


      મનસુખભાઈ વસાવાએ બેઠકને સંબોધતા વધુમાં  જણાવ્યું હતું કે, જિલ્લામાં આવાસ યોજના હેઠળ વંચિત રહી ગયેલા અને ખરેખર જરૂરીયાતમંદ હોય તેવા વાજબી લાભાર્થી કુટુંબને  આવરી લેવાય  તેમજ નરેગા યોજના હેઠળ પણ જે તે ગામમાં  સ્થાનિક જ રોજગારી મેળવવા માંગતા હોય તેવા લાભાર્થીઓની લઘુત્તમ જનસંખ્યાને ગણત્રીમાં લીધા વિના પ્રત્યેક જરૂરિયાતમંદ લાભાર્થી વ્યક્તિને રોજગારી મળી રહે તે જોવાની પણ તેમણે ખાસ તાકીદ કરી હતી.

            મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃત્તિ માટે વડાપ્રધાન મોદીના મિશન મંગલમ કાર્યક્રમ અંતર્ગત અમલી મહિલા  સ્વસહાયજૂથોની કામગીરીની સમયાંતરે સમીક્ષા થાય અને દરેક ગામના પ્રત્યેક કુટુંબની એક બહેન મહિલા સ્વસહાય જૂથમાં જોડાય અને આવા જૂથો વધુ સક્ષમ બનાવવાની સાથે તમામ સભ્ય મહિલાઓ પોતે  આત્મનિર્ભર બને તે માટે  સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ નવાં ચૂંટાયેલા જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખઓને તાલુકા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજીને સુચારૂ જરૂરી સંકલન થકી મિશન મંગલમ  યોજનાનું સઘન અમલીકરણ થાય તે માટે ખાસ સૂચન કર્યું હતું.

        સ્ટેચ્યુ ઓફ યુનિટીને  લીધે નર્મદા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી કેવડીયાને જોડતી  વધુ બસ સુવિધાના  રૂટ ફાળવાય  તે અંગે પણ આ બેઠકમાં  જરૂરી ચર્ચા-વિચારણા  કરાઈ હતી.

           આ પ્રસંગે મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય/બિન યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક વોટર શેડ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સહકાર,પશુપાલન, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, રમત-ગમત, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..