Back

બિભત્સ પત્ર લખનાર પ્રોફેસરને ગુજરાત યુનિવર્સિટી લાભો આપતા વિવાદમાં સપડાઈ..

અમદાવાદ,

સસ્પેન્ડેડ પ્રેફેસર સરમણ ઝાલાને વિવિધ લાભો આપવા ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. બિભત્સ પત્રકાંડમાં સંડોવાયેલા સરમણ ઝાલાને યુનિવર્સિટીએ સસ્પેન્ડ કર્યા હતા. યુનિવર્સિટીએ સરમણ ઝાલાને પાછલા બારણેથી લાભો આપવા સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય કર્યો છે. આ માટે યુનિવર્સિટીએ કમિટી બનાવી હતી. કમિટીએ સરમણ ઝાલાને રહેમરાહે લાભો આપવા ભલામણો કરી છે.

ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનમાં ફરજ બજાવતા પ્રોફેસર સરમણ ઝાલાને મહિલા પ્રોફેસરોને બિભત્સ પત્રો લખવા બદલ ૨૦૧૫માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કર્યા બાદ સરમણ ઝાલા સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. જેને લઈને સરમણ ઝાલાને કેટલોક સમય જેલમાં પણ જવું પડ્યું હતું. હાલ સરમણ ઝાલા સામે કોર્ટ અને શિક્ષણ ટ્રિબ્યૂનલમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે સરમણ ઝાલાએ ગુજરાત યુનિવર્સિટીને તેમના હક્કો આપવા રજૂઆત કરી છે.

સરમણ ઝાલાની રજૂઆતને લઈને ગુજરાત યુનિવર્સિટીએ સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા કર્યા બાદ કમીટીની રચના કરી હતી. કમિટીએ રહેમરાહે સરમણ ઝાલાને પેન્શન અને ગ્રેજ્યુઈટીના હકો આપવા ભલામણ કરી છે. સરમણ ઝાલા હાલ રીટાયર્ડ થઈ ગયા છે. પરંતુ તેમની સામે ચાલી રહેલા ક્રિમિનલ કેસનો ચૂકાદો આવ્યો નથી.ત્યારે સરમણ ઝાલાએ નોકરી પૂર્ણ થયા બાદના તમામ હકો રહેમરાહે આપવા યુનિવર્સિટીને દરખાસ્ત કરી હતી. જેમાં માસિક ૫૦થી ૬૦ હજારનું પેન્શન અને ૧૦ લાખથી વધુની ગ્રેજ્યુઈટી સહિતના લાભો આપવા માંગ કરી હતી.