Back

વસ્ત્રાપુર પોલીસનો તોડકાંડ: પોલીસે તોડની રકમનો વ્યવહાર આંગડિયા દ્વારા કર્યો

વસ્ત્રાપુર પોલીસનો તોડકાંડ:  પોલીસે તોડની રકમનો વ્યવહાર આંગડિયા દ્વારા કર્યો, ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ થતાં પહેલાં પીઆઇ વાય.બી.જાડેજા કોરોના પોઝિટિવ

શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે ગુજરાત રાજ્ય પોલીસવડાના તપાસના આદેશ બાદ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી ચૂડાસમાને સોંપી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે સમગ્ર તોડકાંડની રકમનો હવાલો આંગડિયા પેઢી મારફત કરવામાં આવ્યો છે. આંગડિયા પેઢીમાં રૂ.30 લાખની રકમ મોકલવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના “યશ” લેવાવાળા કોન્સ્ટેબલ વહીવટદારે રકમ લીધી હોવાની ચર્ચા છે. જોકે હજી સુધી આ કોન્સ્ટેબલની પૂછપરછ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ,આ મોટા તોડકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી આખો દિવસ બેસાડી પૂછપરછ અને નિવેદનો લેવામાં આવ્યા હતા એ સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ વાય.બી.જાડેજા કોરોના પોઝિટિવ થઈ ગયા છે. કોરોના પોઝિટિવ આવતાં તેમણે હવે કવોરન્ટીન થઈ ગયા છે. તોડકાંડ મામલે સોમવારે PSI એમ.બી.જાડેજાના નિવેદન બાદ મંગળવારે, એટલે કે આજે વાય.બી.જાડેજાને બોલાવી તેમની પૂછપરછ અને નિવેદન લેવાય એવી શક્યતા હતી, પરંતુ પીઆઇ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. પીઆઇ જાડેજા કોરોના પોઝિટિવ આવતાંની સાથે શહેર પોલીસમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે પોલીસ તપાસ ચાલુ થતાં જ પીઆઇ જાડેજાએ રિપોર્ટ કરાવ્યો? ખરેખર તેઓ કોરોના પોઝિટિવ છે કે પછી તપાસમાં સહકાર ન આપવા તેઓ કવોરન્ટીન થઈ ગયા છે.કે પછી આ મામલે તેઓની પાસે વધુ જાણકારી અથવા સંડોવણી પણ હોય શકે તેથી કવોરન્ટીન થયા હોય તેમ પણ બની શકે.શું હવે ક્રાઈમ બ્રાન્ચ વાય.બી.જાડેજાનું ઓનલાઇન નિવેદન નોંધશે? કે પછી સમગ્ર મામલાને હવે દબાવવામાં આવશે? જો પૂર્ણરૂપની તપાસ થાય તો જ આ મોટા તોડકાંડમાં સત્ય તથ્યો પ્રકાશમાં આવે તેમ છે.અને તોડકાંડ સામે આવતાં વધુ એક વખત પોલીસની વરદી પર ડાઘ પડ્યો છે.