Back

૨૧ દિવસની બાળકીને પુનર્જીવન આપતી અમરેલી ૧૦૮ની ટીમ

કહેવાય છે કે જીવન અને મૃત્યુ એ ઉપરવાળાના હાથમાં છે, એને ક્યારેય કોઈ ટાળી શકતું નથી. પરંતુ જ્યારે ચમત્કાર બને છે ત્યારે કુદરતનો આ નિયમ તૂટતો હોય એવું લાગે છે. અમરેલીમાં એક એવી જ ઘટના સામે આવી છે જેમાં ૧૦૮ની ટીમે ૨૧ દિવસની બાળકીને પુનર્જીવન આપ્યું છે. અમરેલીના કુંકાવાવ રોડ પરના એક રહેણાંક વિસ્તારમાંથી ૧૦૮ને મોડી રાત્રે ફોન દ્વારા માહિતી મળી કે નજીકમાં રહેતા એક ગરીબ પરિવારની ૨૧ દિવસની બાળકીને તાવ આવતો હતો અને હાલ બેશુદ્ધ અવસ્થામાં છે. ૧૦૮ના ફરજ પરના કર્મચારી ઈએમટી સાગરભાઈ મકવાણા તથા પાઈલોટ અકબરભાઈ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીની તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે બાળકીના હૃદયના ધબકારા તથા શ્વાસ ન હતો.

બંને કર્મચારીઓએ પોતાની આગવી સુઝબુઝ અને જીવીકે ઈએમઆરઆઈ હેડક્વાર્ટરમાં રહેલ ઈમરજન્સી ફિઝિશિયનની સલાહ મુજબ બાળકીને તાત્કાલિક કૃત્રિમ શ્વાસ તથા છાતી પર દબાણ આપતા એમ્બ્યુલન્સમાં જ બાળકીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરુ થઈ હતી. આ પરિસ્થિતિમાં વધુ સારવાર માટે બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલીની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં બાળકીને સારવાર આપવામાં આવી રહી છે.

૨૧ દિવસની બાળકીને પુનર્જીવન આપવા બદલ બાળકીના માતા કાજલબેને તથા સગાસંબંધીઓએ બે હાથ જોડીને ૧૦૮ ઈમરજન્સી સેવાનો આભાર માનતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ૧૦૮ની ઇમરજન્સી સેવા અમારા માટે ભગવાન બનીને આવી અને અમારી લાડકીમાં પ્રાણ પુર્યો છે જેનું ઋણ અમે કદી ચૂકવી શકીશું નહીં. અમારી આર્થિક પરિસ્થિતિ પણ ખુબ જ નબળી હોવાથી આરોગ્યની બીજી કોઈ ખાનગી સેવા લેવા અમે સધ્ધર ન હતા પરંતુ ૧૦૮ની ટીમ અમારી વ્હારે આવી અમારી લાડકીનો જીવ બચાવીને અમારા ઉપર ખુબ મોટો ઉપકાર કર્યો છે. ૧૦૮ની ટીમના અકબરભાઈ અને સાગરભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ૧૦૮ની સેવામાં જોડાયા બાદ લોકસેવા કરવાની તક મળી છે ત્યારે અમે સરકારના ખુબ જ આભારી છીએ. આજે રોજગારીની સાથે સાથે ગરીબોની સેવા કરવાનો આનંદ અને પુણ્ય પણ કમાવા મળે છે. લોકો તરફથી મળતા લાગણીસભર અઢળક આશીર્વાદ અમને અમારી સેવાને વધુમાં વધુ સુદ્રઢ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડે છે.

આ બાળકીનો જીવ બચાવીને અમે ધન્ય થયા છીએ. અમે વિકટ પરિસ્થિતિમાં પણ કોઈ વ્યક્તિનો જીવ બચાવવામાં સહભાગી બન્યાનો સંપૂર્ણપણે સંતોષ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત કે પછી બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે એક સંજીવની સમાન બની ગઇ છે. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દરેક પરિસ્થિતિમાં વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડે છે.

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..