Back

પ્રધાનમંત્રીના લઘુમતી કલ્યાણ માટેના ૧પ મુદા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ...

લઘુમતી કલ્યાણ યોજનાનો લોકોને ઝડપથી લાભ આપવા સુનિલ સિંધીનો અનુરોધ

પ્રધાનમંત્રીના લઘુમતી કલ્યાણ માટેના ૧પ મુદા કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ

ભારતના લઘુમતી રાષ્ટ્રીય આયોગના સભ્યસુનિલ સિંધીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રીના લઘુમતી કલ્યાણ માટેના ૧૫ મુદ્દા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી ખાસ કરીને લઘુમતી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ આ સમુદાયમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે માનવીય અભિગમ અપનાવી જયાં જરૂર હોય ત્યાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી જેવા ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

આ બેઠકમાં લઘુમતી આયોગના સભ્ય સુનિલ સિંધીએ ઉપસ્થિત અધિકારીઓને લઘુમતી સમાજ માટેની સરકારની વિવિધ યોજનાઓ બાબતે લઘુમતી સમાજમાં જાગૃતિ કેળવાય અને લઘુમતી કલ્યાણ માટેની સરકારની કટિબધ્ધતા સાચા અર્થમાં ચરિતાર્થ થાય તે માટેનાસંનિષ્ઠ પ્રયાસો કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી સમાજના લોકોના કલ્યાણ માટેના ૧૫ મુદ્દા કાર્યક્રમની સાથે અનેકવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ આ અમરેલી જિલ્લાના વધુમાં વધુ લોકોને મળે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. સરકારના સબકા સાથ સબકા વિકાસને સાર્થક કરીને સાચા અર્થમાં તેઓને મુખ્ય ધારા સાથે જોડીશું તેઓની પ્રગતિ થવાની સાથોસાથ તેઓ વિકાસમાં ભાગીદાર બનશે તેમ જણાવી સરકારની યોજનાઓથી જિલ્લાના લાભાર્થીઓ વંચિત ન રહે તે જોવાનું સૂચન કરી જિલ્લા કલેકટર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષની લાગણી વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બેઠકમાં સમીક્ષા બેઠકની ભૂમિકા અને હેતુની જાણકારી આપી સમસ્યાઓના નિવારણ માટે સમીક્ષા બેઠકોનું આયોજન કરવા પણ સૂચવી આવી સમીક્ષા બેઠકોથી મોટાભાગની સમસ્યાઓના આપોઆપ નિરાકરણ લાવી શકાય છે તેમ કહ્યું હતું. તેમણે આ તકે લઘુમતી સમાજમાં જાગૃતિ આવે અને વધુને વધુ લાભાર્થીઓ સરકારની આ યોજનાઓના લાભ લઈ શકે તે માટે જિલ્લામાં જાગૃતિ કેમ્પનું આયોજન કરવા પણ જણાવ્યું હતુ. સભ્ય જિલ્લામાં થયેલ લદ્યુમતી કલ્યાણ યોજનાઓની કામગીરીથી વાકેફ થઈ બિરદાવી હતી.

આ બેઠકમાં લઘુમતી કલ્યાણ યોજનાઓ અંતર્ગત જિલ્લામાં જુદા-જુદા વિભાગો દ્વારા આપવામાં આવેલ લાભોની વિસ્તૃત વિગતો રજુ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જિલ્લાના તમામ ક્ષેત્રની જાણકારી આપી હતી તેમજ આયોગના સભ્યએ સૂચનોનો અમલ કરવા તેમજ આ સમુદાયના લોકોમાં જનજાગૃતિ સાથે યોજનાઓની વિગતવાર જાણકારી મળી રહે તે માટેના જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું.

કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લઘુમતી સમુદાય માટે તમામ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા તાલુકા કક્ષાએ ત્રિમાસિક બેઠકમાં કરવામાં આવશે તેમજ આ યોજનાઓનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી. એમ. પાડલીયાએ ગત મહિને સંભવિત વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા થયેલ ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કપરા સમયમાં સમગ્ર રાજુલા અને જાફરાબાદના લઘુમતી સમાજની વસ્તી ધરાવતા ૪૦ જેટલા ગામોમાં આરોગ્ય વિભાગે લગભગ ૩૯ મહિલાઓની સફળ પ્રસુતિ કરી હતી જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

આ બેઠકમાં વિવિધ વર્ગના અગ્રણીઓ પોતાના સમાજને સ્પર્શતા પ્રશ્નો જેમાં ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, રોજગારી, સાફ સફાઈ, લોન, જમીનને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. મુસ્લિમ સમાજના અગ્રણીએ ગત મહિને સંભવિત વાયુ વાવાઝોડાની અસરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કામગીરીને ભારોભાર પ્રશંસા કરી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ તરફથી અમને અવાર નવાર માર્ગદર્શન મળી રહે છે જે ખરેખર પ્રશંસનીય છે. શીખ સમાજના કુટુંબો ખુબ ઓછા પ્રમાણમાં હોવાથી તેમના પ્રશ્નો માટે શીખ આગેવાનઓ કલેક્ટરશ્રીને રૂબરૂમાં મળીને રજુઆત કરશે.

જૈન સમુદાયના અગ્રણીઓએ લઘુમતી સમુદાયના વિકાસ માટે જયારે પણ જરૂર પડ્યે પોતાના સમાજનો કોમ્યુનિટી હોલ આપવાની ઉદાર ભાવના વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એ. બી. પાંડોર, પોલીસ અધિકારીરાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી. એમ. ડોબરીયા, પ્રાંત અધિકારી ડી. એન. સતાણી, કાર્યપાલક ઇજનેર ઉદનીયા, સમાજ કલ્યાણ અધિકારી રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી જાદવ, જિલ્લા આયોજન અધિકારી ગોહિલ, સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન બારોટ સહીત અલગ અલગ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા લઘુમતી સમાજના આગેવાનઓ ઉપસ્થિત રહયા હતા.

 

અમરેલી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..