Back

બોચાસણ ખાતે મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ઉજવણી

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં કાર્તિકી પૂનમ - દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી

તા.૧૨ નવેમ્બર મંગળવારે બી.એ.પી.એસ ના ગાદીસ્થાન બોચાસણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ અને દિવ્ય સાનિધ્યમાં કાર્તિકી પૂનમ દેવ દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. મંગળ પ્રભાતે સાડા પાંચ વાગ્યે મંદિર પરિસરમાં સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ હરિભક્તોએ લીધો હતો. વહેલી પરોઢથી બોચાસણનું BAPS સ્વામિનારાયણ મંદિર વિવિધ રોશનીથી દેદીપ્યમાન શોભી રહ્યું હતું. દેવ દિવાળી નિમિતે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે કાર્તિક પુર્ણિમાનું વિશેષ માહાત્મ્ય હોઈ વહેલી સવારથી અંતરના ઉમળકા સાથે મંદિર દર્શન અને દેવ દિવાળી ઉત્સવનો લાભ લેવા હજારો હરિભક્તો ઉમટ્યા હતા.

સાંજે પાંચ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ બાગ બોચાસણ ખાતે આજના ઉત્સવની મુખ્ય સભા શરુ થઇ હતી. પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના ઉપદેશ ગ્રંથ વચનામૃતગ્રંથનું દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે.BAPS સંસ્થાનો વિકાસ વચનામૃત ગ્રંથમાં ઉદઘોષિત મુખ્ય ચાર સિદ્ધાંતો ઉપાસના, આજ્ઞા, સદભાવ અને સત્પુરુષના પાયા પર થયો છે એ કેન્દ્રિય વિચાર સાથે સભા કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં વિદ્વાન સંતોએ સંસ્થા વિકાસના એ પાયાના મૂલ્યો પર પ્રેરક વક્તવ્યો આપ્યા હતા. પ્રત્યેક વક્તવ્ય બાદ વિષયને અનુરૂપ સત્ય ઘટના આધારિત સંવાદ રજુ થયા હતા અને સદગુરુ સંતોએ પોતાની અનુભવ વાણીથી એ વિષયની પૃષ્ટિ કરી હતી. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની દ્રઢતા અંગે પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, જીવનમાં અનુસંધાન રહે તો જીવન નિર્વિઘ્ન પારપડે આજ્ઞાપાલનની  દ્રઢતા અંગે પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી (કોઠારી સ્વામી)એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનમાં ભગવાનની આજ્ઞાઓને કેન્દ્ર સ્થાને રાખી સાધુતાસ ભર જીવન જીવ્યા છે જેનાથી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું પ્રવર્તન અને સંસ્થાનો વિકાસ થયો છે.  સંસ્થાના વિકાસની યાત્રામાં ઉડીને આંખે વળગે એવું એક પરિબળ છે સદભાવગુરુ શિષ્ય વચ્ચે, સંતો હરિભક્તો વચ્ચે અને હરિભક્તો પરસ્પર સંબંધના મહિમાની દ્રષ્ટિથી સૌ સાથે સદભાવ રાખે છે જેની સ્મૃતિ સદગુરુવર્ય ત્યાગવલ્લભદાસ સ્વામીએ સૌને કરાવી હતી. પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ પોતાના પ્રવચનમાં વિવિધ પ્રસંગો ટાંકીને જણાવ્યું હતું કે BAPSની ગુણાતીત પરંપરાના સત્પુરુષો આ સત્સંગનો પ્રાણ છે, સૌ માટે એક આદર્શ છે.પોતાના સાધુતા સભર અને અહંશૂન્ય જીવનથી અક્ષર પુરુષોત્તમના સનાતન જ્ઞાનનું સમગ્ર વિશ્વમાં પ્રવર્તન કરી રહ્યા છે અને આ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે. આજના દિવસે સદગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીએ હરિભક્તોને પોતાના ધર્મસભર જીવન અને વર્તન દ્વારા સિદ્ધાંતની દ્રઢતા કરવાઆહવાન કર્યું હતું. આ સાથે બાળકોયુવકોએ અક્ષર પુરુષોત્તમ ના ડંકા દિગંતમાં સંભળાય છે'  તે ભક્તિસભર નૃત્ય રજુ કર્યું હતું.

સભાના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, શાસ્ત્રીજી મહારાજના જીવનમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન માટે ધ્યેયની સ્પષ્ટતા હતી. અનંત કોટી બ્રહ્માંડના જીવોને દુર્લભ એવી પ્રાપ્તિ આપણને થઇ છે. તમામ જ્ઞાનનો સાર આ જ્ઞાન છે. આ વાતને જીવમાં દ્રઢ કરીને રાખવી.

આજના પ્રસંગે અંદાજીત ૪૦ હજાર હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો. તમામ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આણંદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..