રોજગાર ભરતી મેળાએ અમને રોજગારી અપાવી
અમને અમારી મનપસંદ રોજગારી મળી – આજે અમે ખૂબ ખુશ
છે
રોજગાર મેળવનાર લાભાર્થી કિરણકુમાર, નરવતસિંહ અને
વિપુલ ભટ્ટ
રોજગાર ભરતી મેળો અમારા જેવા યુવાનો માટે
આશીર્વાદ સમાન
રોજગાર ભરતી મેળા થકી અમોને જે જોઇએ છે તેવા કારીગરો મળી રહે છે
જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા ત્રણ માસ
દરમિયાન પાંચ ભરતી મેળા યોજાયા
આ ભરતી મેળામાં ૨૦૫૦ ઉમેદવારો હાજર રહ્યા
૬૫ નોકરીદાતાઓએ સ્થળ ઉપર હાજર રહીને ૧૩૭૨ ઉમેદવારોની પસંદગી કરી
આજના યુગમાં દરેક યુવાન વ્હાઇટ કોલર જોબ મેળવવાનું સ્વપ્ન સેવતો હોય છે. પરંતુ દરેકને વ્હાઇટ કોલર જોબ મળતી નથી. ટેકનોલોજીના યુગમાં જોબ માટેના અનેકવિધ માર્ગો ખુલ્યા છે. તો કેટલાંક યુવાનો આજે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી જોબ સીકર ન બનતાં જોબ ગીવર પણ બનતાં હોય છે.
રોજગારી મેળવવા ઇચ્છતા યુવાનો તેમના નોંધણી જિલ્લા રોજગાર કચેરીઓમાં કરાવતાં હોય છે કે જેથી તેઓને તેઓના અભ્યાસ પ્રમાણે મનપસંદ રોજગારી મળી રહે. રોજગાર કચેરીમાં નાના ઉદ્યોગો, ખાનગી કંપનીઓ જેવા વિવિધ વ્યવસાય કરતાં હોય અને જેઓને તેમના વ્યવસાય પ્રમાણેના ઉમેદવારો મળી રહે તેવા નોકરીદાતાઓ તેમને યોગ્ય ઉમેદવારો મળી રહે તે માટે રોજગાર કચેરીમાં ઉમેદવારોની વિગતો મોકલી આપે છે જે મુજબ રોજગાર કચેરી દ્વારા નોકરીદાતાઓને ઉમેદવારો પૂરાં પાડીને રોજગારી ઇચ્છતા યુવાનોને રોજગારી પૂરી પાડવાનું મહત્વનું કાર્ય રોજગાર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે.
નોકરીદાતાઓને ઘણીવાર તેમના પસંદગીના ઉમેદવારો મળતા નથી જેથી ઉત્પાદન કે કામગીરી પર અસર પડતી હોય છે. આ નોકરીદાતાઓને કુશળ કારીગરો મળી રહે તે માટે રાજય સરકારે કૌશલ્ય વર્ધન કેન્દ્રો ઉભા કરવાની સાથે યુવાનોને એપ્રેન્ટીસશીપ તાલીમ આપીને કુશળ બનાવવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ આ યુવાનોને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવી રહ્યું છે.
કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને એપ્રેન્ટીસ યોજનાના કારણે આજે નોકરીદાતાને કુશળ કારીગરો મળી રહ્યાં છે. નોકરીદાતાઓને કુશળ કારીગરો અને મનપસંદ ઉમેદવાર મળી રહે તેમજ યુવાનોને ઇન્ટરવ્યુ આપવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જવું ન પડે તેજ રીતે નોકરીદાતાઓને તેમની જરૂરિયાત મુજબ તરતજ ઉમેદવારો મળી રહે અને ઉત્પાદન કે કામ પર અસર ન પડે તે હેતુને ધ્યાનમાં રાખીને રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર કચેરીઓ દ્વારા અવાર-નવાર રોજગાર ભરતી મેળા યોજવામાં આવી રહ્યાં છે.
આ રોજગાર ભરતી મેળા યોજવા પાછળનો મુખ્ય આશય ઉમેદવારો અને નોકરીદાતાઓ વચ્ચે સેતુ બનવાનો છે. જેનાથી ઉમેદવારના સમય-નાણાંની બચત થવાની સાથોસાથ નોકરીદાતાઓને પણ એક જ સ્થળેથી પોતાને જોઇએ છે તેવા કુશળ અને શિક્ષણ પ્રમાણેના કારીગરો અને ઉમેદવારો મળી રહે છે. જેના કારણે નોકરીદાતાઓનો પણ સમય બચે છે.
આ રોજગાર ભરતી મેળામાં નોકરીદાતાઓ હાજર રહીને પોતાની જરૂરિયાત જણાવે છે અને તે મુજબ સ્થળ ઉપર જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઇને તેઓની પ્રાથમિક પસંદગી કરતાં હોય છે. જે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે તે ઉમેદવારોને તેમની કંપનીમાં બોલાવવામાં આવે છે અને તેઓને ત્યાં કામ પર રાખવામાં આવે છે.
જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ અવાર-નવાર જિલ્લા રોજગાર કચેરી તરફથી રોજગાર ભરતી મેળા યોજવામાં આવી રહ્યાં છે.
આવા જ એક ભરતી મેળામાં હાજર રહેલા નોકરીદાતાઓ માઇક્રો-ફલેટ ડેટયુમસ પ્રા.લિ., અને કેન ફીલ્ડ કંપનીના નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. આ નોકરીદાતાઓ પૈકી માઇક્રો ફલેટમાં ૩ યુવાનોને જયારે કેન ફીલ્ડ કંપનીમાં વિવિધ પ્રકારની ૧૨ જગ્યાઓ મળીને કુલ ૧૫ યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
આ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવ્યા બાદ આ યુવાનોને ખરેખર રોજગાર પ્રાપ્ત થયેલ છે કે કેમ તે બાબતે કંપનીની મુલાકાત લેવામાં આવી હતી.
આ કંપનીની મુલાકાત દરમિયાન રોજગાર ભરતી મેળામાં પસંદગી પામેલ અને આઇ.ટી.આઇ. ટર્નરની લાયકાત ધરાવતા માઇકલભાઇ કનુભાઇ પરમારએ રોજગારી મેળવવા માટે રોજગાર કચેરીમાં નામ નોંધાવ્ય હતું. જેથી રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવેલ રોજગાર ભરતી મેળાની મને જાણ કરવામાં આવતાં હું રોજગાર મેળવવા ભરતી મેળામાં આવ્યો હતો. જયાં મારો વિવિધ કંપનીઓ દ્વારા રૂબરૂમાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં મારી પસંદગી માઇક્રો-ફલેટ કંપનીમાં થતાં આજે હું કંપનીમાં નોકરી કરી રહ્યો છું. આવા ભરતીમેળા બેરોજગારોને રોજગાર મળે તે માટે સરકાર દ્વારા યોજવામાં આવે છે તે સારા છે. આ માટે હું સરકારનો આભાર માનું છું તેમ કહ્યું હતું.
આવું જ કંઇક કેન ફીલ્ડ કંપનીમાં એમ.બી.એ.ની ડિગ્રી ધરાવતાં વિપુલ ભટ્ટે કહ્યું કે, જિલ્લા રોજગાર કચેરીમાં મેં નામ નોંધાવ્યું હતું. નામ નોંધાવ્યા બાદ મને ભરતી મેળાની જાણ કરવામાં આવતાં હું ભરતી મેળામાં આવ્યો હતો. જેમાં હું હાજર રહ્યો હતો અને કેન ફીલ્ડ કંપનીએ મારો ઇન્ટરવ્યુ લઇ મને સિલેકટ કર્યો હતો. અને આજે હું અહીં નોકરી કરી રહ્યો છું. આ માટે હું સરકારનો આભાર માનું છું અને અવાર-નવાર આવા ભરતી મેળા દ્વારા મારા જેવા રોજગાર મેળવવા ઇચ્છતા યુવાનોને રોજગારી મળી રહે તેવી આશા રાખું છું.
આ જ કંપનીમાં નોકરીએ લાગેલ રાજ નરવતસિંહ તખતસિંહએ પણ પોતાની રોજગાર ભરતી મેળા દ્વારા રોજગારી મળી હોવાનું જણાવી ભવિષ્યમાં પણ આવા ભરતી મેળા સરકાર યોજતી રહે તેમ જણાવી મુખ્ય મંત્રી પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી.
રોજગાર ભરતી મેળામાં નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહેલ માઇક્રો-ફલેટ કંપનીના એમ.ડી. રોહિતભાઇ પટેલે સરકારશ્રી દ્વારા આવા જે રોજગાર ભરતી મેળા યોજવામાં આવી રહ્યા છે તેની પ્રશંસા કરતાં કહ્યું કે, અમારી કંપનીને ૨ થી ૩ કારીગરો જોઇતાં હતા જે આ ભરતી મેળાએ અમારું કામ આસાન બનાવી દીધું અને શિક્ષણ પ્રમાણે અમારી કંપનીને જે કારીગરો જોઇતા હતા હતા તે પ્રમાણેના કારીગરો મળી ગયાં છે. રોજગાર ભરતી મેળા લોકોને ઉપયોગી થવાની સાથે બેરોજગારોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી થયા છે. જે નાના ઉદ્યોગો-લોકો માટે સરકારે સારૂં કામ કર્યું છે.
જયારે કેન ફીલ્ડ કંપનીના પ્રોજેકટ મેનેજર કિરણકુમારએ આણંદમાં યોજાયેલ મેગા જોબ ફેરમાં અમારી કંપનીને બી.એસસી.ના-૪, ફીટરના-૫ અને ડીપ્લોમા એન્જિનિયરના-૩ મળી કુલ-૧૨ ઉમેદવારોની જરૂરિયાત હતી જે તમામ જરૂરિયાત આ રોજગાર ભરતી મેળાએ પૂરી કરી છે તેમ જણાવી સરકારની આ યોજના ખૂબ જ સારી છે. આ પ્રકારના ભરતી મેળાથી બેરોજગાર ઉમેદવારોને રોજગારી પૂરી પાડનારા તેમજ ઉમેદવારો પણ જેવા પ્રકારની નોકરી ઇચ્છતા હોય છે તેવી નોકરી મળી રહેતા તેઓ સારી રીતે કામ પણ કરી શકે છે તેમ કહ્યું હતું.
આમ, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કૌશલ્ય વર્ધન કેન્દ્રો, એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના તેમજ રોજગાર ભરતી મેળાએ યુવાનોમાં એક નવી આશાનો સંચાર કરવાની સાથે યુવાનોને રાજયના સંવેદનશીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ રોજગારી પૂરી પાડવા પ્રતિબધ્ધ હોવાની પ્રતિતિ કરાવી છે.
આણંદ ખાતે કાર્યરત જિલ્લા રોજગાર કચેરીના જિલ્લા રોજગાર અધિકારી ડી. કે. ભટ્ટને રોજગાર ભરતી મેળા બાબતે પૂછતાં તેમણે કહ્યું કે, જિલ્લામાં એપ્રિલ-૧૯ થી જૂન-૧૯ દરમિયાન પાંચ રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા છે. જેમાં ૬૭ નોકરીદાતાઓએ વિવિધ ૧૬૩૫ જેટલી જગ્યાઓની નોંધણી કરાવી હતી. આ રોજગર ભરતી મેળામાં કુલ ૧૦૩૦૦ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા જે પૈકી ૨૦૫૦ ઉમેદવારો અને ૬૭ નોકરીદાતાઓ પૈકી ૬૫ નોકરીદાતાઓએ હાજર રહીને ૧૩૭૨ ઉમેદવારોની સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લઇને પસંદગી કરી હતી. જયારે ૨૦૦૪ બેરોજગાર ઉમેદવારોના નામની નોંધણી કરવામાં આવી છે.





