Back

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે શંકાસ્પદ તાવ થી મોત થતા હડકંપ મચી ગયો છે

  રિપોર્ટર ( કાળાભાઈ ચૌધરી)

ધાનેરા તાલુકા ના ફતેપુરા ગામે ગુરૂવારે સવારે આઠ વર્ષના બાળકનું શંકાસ્પદ તાવથી મોત થતાં હડકંપ મચી ગયો છે. બાળકનું મોત કોંગો ફીવરથી થયુ હોવાની વાત વાયુવેગે પંથકમાં ફેલાઇ જતાં ગભરાહટનો માહોલ બન્યો છે. ઘટનાને પગલે આરોગ્ય અને પશુપાલનની કચેરીની ટીમ ગામમાં પહોંચી યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. સામાન્ય તાવવાળા તમામ લોકોની તપાસ કરવામાં આવી છે. જ્યારે પશુઓ ઉપર દવાનો છટંકાવ થઇ રહ્યો છે.

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે શંકાસ્પદ કોંગો ફીવરથી કપિલ નામના આઠ વર્ષીય બાળકનું મોત થયુ છે. ધોરણ-2માં અભ્યાસ કરતા કપિલને કેટલાક કલાકોથી તાવ હોવાથી અચાનક સવારે દમ તોડ્યો હતો. કોંગો ફીવરથી મોત થયાનું પંથકમાં ચર્ચાતા ધાનેરા તાલુકા આરોગ્યની ટીમ પહોંચી હતી. જેમાં બાળકનું મોત થવા પાછળના કારણો શોધવા તપાસ શરૂ કરવામાં આવી તો બીજી તરફ શંકાસ્પદ તાવ ધરાવતા અન્ય લોકોનો પણ મેડીકલ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, બાળકનું મોત શંકાસ્પદ તાવથી થયુ છે. જોકે મોત પાછળ કોંગોફીવર છે કે કેમ ? તેના માટે તપાસ શરૂ કરવામાં આવી છે. રીપોર્ટ પુના મોકલ્યો હોઇ જો કોંગો ફીવર માલુમ પડશે તો તે મુજબ ગામ અને સમગ્ર પંથકમાં પગલા ભરવામાં આવશે. આ સાથે ગામમાં અન્ય કોઇને સામાન્ય તાવ કે વાયરલ હોય તો પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જયારે પશુપાલન કચેરીના કર્મચારીઓ દ્વારા ગામના તમામ પશુઓ ઉપર દવાનો છંટકાવ કરી પુર્વ તૈયારી હાથ ધરાઇ છે.

આરોગ્ય અને પશુપાલન કચેરીની ટીમે ગામમાં પહોંચી કોંગો ફીવર હોય તો આગળ વધતો અટકાવવા દોડધામ શરૂ કરી છે. જેમાં પગથી માથા સુધી ઢંકાઇ જાય તેવા સફેદ કપડા પહેરી દવાનો છંટકાવ અને આરોગ્યની ચકાસણી હાથ ધરી છે. ગામમાં તપાસ ટીમનો દેખાવ જોઇ રહીશો વધુ ભયભિત બની કોંગો ફીવર સામે ફફડાટ અનુભવી રહ્યા છે.