Back

છોટાઉદેપુરમાં જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ બોડેલી ખાતે યોજાયો

ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિ

પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા

છોટાઉદેપુરના જિલ્લાકક્ષાના કૃષિ મહોત્સવને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઇ માળીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે ખેડૂતોને જૂની ઘરેડમાંથી બહાર આવી અને સરકારના કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ -માર્ગદર્શન મુજબ ખેતી અપનાવવા અને નવતર પ્રયોગ સાથે ખેતી કરવા તેમજ ડ્રિપ ઈરિગેશનની મદદથી  પાણી બચાવવા ઉપર ભાર મૂક્યો હતો. 

વધુમાં માળીએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર એટલા માટે કૃષિ મેળો યોજે છે કે, જેનાથી ખેડૂતો અત્યાધુનિક સાધનો અપનાવતા થાય અને ખેડૂતોનું જીવન ધોરણ ઉચું આવે. બનાસકાંઠાના લાખણી ગામના પદ્મશ્રી ગેનાભાઈ પટેલની દાડમની ખેતીનું ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે, ગેનાભાઈએ ઢોળાવવાળી જમીનમાં પણ ડ્રીપ ઇરિગેશનની મદદથી અને સરકારના અધિકારીઓના માર્ગદર્શન મુજબ દાડમની ખતી કરી વાર્ષિક રૂા. ૭૦ લાખના દાડમ પેદા કર્યા હતા. આમ તેઓએ નવતર અભિગમથી ખેતી કરવા ઉપર ભાર મુક્યો હતો. 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનુ સપનું જેને  સાકાર કરવા માટે આપણે જુની ઘરેડની ખેતીમાંથી બહાર આવવું પડશે તેમ માળીએ જણાવ્યુ હતું

પ્રાંસગિક ઉદ્બબોધન કરતા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ઓછા ખર્ચે અને મહેનતે વધુ પાક કંઈ રીતે લઈ શકાય તેની ચિંતા રાજ્ય સરકારે સતત કરી છે. આજથી ૪૦ વર્ષ પહેલાં ચોમાસુ જતાની સાથે જ જમીનમાંથી અળસિયા નીકળતા પરંતુ રાસાણિક ખાતરના વધુ પડતા વપરાશના લીધે ખેતી માટે જરૂરી જીવજંતુઓ નાશ પામ્યાં. પરંતુ ત્યારે દેશને વધુ ઉત્પાન માટેની જરૂરિયાત હતી. પણ આજે સમયની માંગ મુજબ અને જરૂરિયાત પ્રમાણે ખેતી કરવાની આવશ્યકતા છે. નકલી બિયારણના વેચાણકર્તાઓ સામે ત્વરિત પગલા ભરવાનો અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

 

આ પ્રસંગે સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી કેબિનેટ બેઠકમાં જ પીએમ કિસાન યોજનાનો વિસ્તાર કરીને તમામ ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ હજાર જમા કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ પહેલાં માત્ર પાંચ એકર ધરાવતા ખેડૂતોને લાભ મળતો હતો. તેમજ  રાજ્ય સરકાર પણ ખેડૂત હિત માટે સતત જાગૃત છે.

આ પ્રસંગે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત બારીયા શંકરભાઈ તથા પ્રદ્યમનસિંહ રાઠોડનું રૂાં ૧૦,૦૦૦ના ચેક, સાલ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

જિલ્લા ખેતિવાડી અધિકારી પી.એમ.આચાર્ય સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકોએ કૃષિ અને પશુપાલન અંગે માર્ગદર્શન આપ્યું હતુ. આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, પ્રાંત અધિકારી શાલિની રાઠોડ, મામલતદાર સહિતના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્‍લાના કૃષિકારોને અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેનું માર્ગદર્શન આપવા માટે જિલ્‍લાના દરેક તાલુકા દીઠ ખરીફ સીઝનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે તા.૧૭/૦૬/૨૦૧૯ના રોજ કૃષિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મહોત્‍સવની સાથે સાથે આધુનિક પશુપાલન અંગે નિષ્‍ણાંતો પશુપાલકોને માર્ગદર્શન આપશે, તેમજ પશુ આરોગ્‍ય મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્‍લામાં તાલુકા દીઠ યોજાનાર કૃષિ મહોત્સવના સ્‍થળોની વિગતો નીચે મુજબ છે. જિલ્‍લાના ખેડૂતોએ કૃષિ મહોત્‍સવનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્‍લા ખેતીવાડી અધિકારી આચાર્યએ જણાવ્‍યું છે.

છોટાઉદેપુર તાલુકાનો કૃષિ મહોત્‍સવ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે, સંખેડાનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગોલાગામડી ખાતે અને નસવાડી, બોડેલી, જેતપુરપાવી તથા કવાંટ તાલુકાનો કૃષિ મહોત્સવ જે તે તાલુકાની એ.પી.એમ.સી. ખાતે યોજાશે. આ તમામ કૃષિ મહોત્‍સવ સવારે ૯/૦૦ કલાકે પ્રારંભ થશે.

છોટાઉદેપુર ખાતે યોજાનાર કૃષિ મહોત્‍સવમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક આર.સી.પટેલ વિશેષ ઉપસ્‍થિત રહેશે.