Back

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા ખાતે કૃષિ મહોત્સવ યોજાયા

ખેડૂત અને ગામડાને સમૃધ્દ્ર કરવાની નેમ સાથે સરકાર કૃષિ મહોત્સવ આયોજીત કરે છે - મંત્રી બચુભાઇ ખાબડ

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા ખાતે કૃષિ મહોત્સવ યોજાયા

જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન

ખેડૂત અને ગામડાને સમૃધ્દ્ર કરવાની નેમ સાથે સરકાર કૃષિ મહોત્સવ દર વર્ષે આયોજીત કરે છે. ખેડૂતોને આધુનિકતા સાથે વૈજ્ઞાનિક ઢબની ખેત પધ્ધતિનું ઘરઆંગણે માર્ગદર્શન સાથે યોજનાઓની જાણકારી કૃષિ મહોત્સવ થકી આપવામાં આવે છે.

ગ્રામવિકાસ, ગ્રામગૃહનિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડે આજે દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા તાલુકાના કૃષિ મહોત્સવના પ્રારંભ પ્રસંગે ઉપર મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજય સરકારે રાજયના તમામ ખેડૂતોને ખેત ઉત્પાદનની નવીન અને આધુનિક પધ્ધતિઓ, તાંત્રિક જ્ઞાન સાથેની કુશળતા, સુધારેલા બિયારણ, ખાતર, ટપક સિંચાઇ પધ્ધતિ સહિતની અનેક સહાય આપે છે.

મંત્રી બચુભાઇ ખાબડે ખેતી સંલગ્ન પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવી સુધારેલા પશુઓલાદ ખરીદી દુધ ઉત્પાદન દ્રારા આર્થિક સધ્ધરતા હાંસલ કરવાનું જણાવતા કહયું હતું કે રાજય સરકારે સારી ઓલાદના પશુઓની ખરીદીમાં સહાય સાથે ઘાસચારા અને મીલ્કીંગ મશીન ઉપરાંત તબેલા ગમાણ માટે પણ સહાય કરે છે. તેમણે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કીસાન સન્માન નિધિ યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને રૂ. ૩ લાખના પાક ધીરાણની યોજના સાથે ખેડૂત અકસ્માત વીમાનું સુરક્ષા કવચ પણ પુરૂ પાડયું છે. તેમણે શાકભાજીની ખેતી, ફુલોની ખેતી, બાગાયતની ખેતી સાથે દર વર્ષે પાકની ફેરબદલી કરી આવકમાં વધારો કરવા ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. કૃષિ મહોત્સવમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારીઓ અને કૃષિ તજજ્ઞો દ્રારા ઉપસ્થિત ખેડૂતોને યોજનાકીય જાણકારી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કૃષિ મહોત્સવમાં વનવિભાગ દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મંત્રી બચુભાઇ ખાબડ, દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલે ભાગ લઇ સ્વહસ્તે વૃક્ષારોપણ કર્યુ હતું.

 

આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના અધિકારી જીતુભાઇ સુથાર, નાયબ પશુપાલન નિયામક ડો. ગોસાઇ, દેવગઢબારીયાના પ્રાન્ત અધિકારીકે.યુ. સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહજી રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દેવગઢબારીયા,  આરોગ્ય સમિતિના ચેરમેન જુવાનસીંહ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લીધો હતો તથા કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.