Back

દેવભૂમિ દ્વારકામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત બેટી વધાવો, બેટી પઢાવો કાર્યક્રમ યોજાશે


 રાજય સરકારશ્રી દ્વારા તા.૦૧ થી તા.૧૪ ઓગષ્‍ટ સુધી મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જે અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા તા.૦ર/૦૮/ર૦૧૯ ના રોજ ’’બેટી વધાવો, બેટી પઢાવો ’’ થીમ સાથે ઉજવણી કરવામાં આવશે. સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ રાખવાના હેતુથી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા  ’’બેટી વધાવો, બેટી પઢાવો ’’ થીમ સાથે સુદ્રઢ આયોજન કરી પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા ગ્રામ્ય કક્ષાએ તથા શહેરી કક્ષાએ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તાલુકા કક્ષાએ આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ તેમજ શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી, ભવાઈ-લોકડાયરા, સગર્ભા માતા મીટીંગો, અને જનસમુદાયને જાગૃત કરવા માટે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા અંગેનું સાહિત્યનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવશે. સપ્તધારા થી સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ તાલીમ પામેલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ તેમની કલાથી બેટી વધાવો અભિયાનમાં સાથ સહકાર આપી જનસમુદાયમાં પ્રચાર-પ્રસાર કરશે.


        ’’મહિલા સશકિતકરણ પખવાડીયા’’ ની ઉજવણી દરમ્યાન સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવામાં જનસમુદાયના યોગ્ય સાથ અને સહકારથી સ્ત્રી જન્મના દરમાં ઉત્તરોતર સુધારો થાય અને સમાજમાં સ્ત્રી અને પુરૂષનું જાતિય પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે માટે ખાનગી રાહે ગર્ભસ્થ શિશુનું જાતિય પરિક્ષણ કરાવનાર ઈસમો તથા જાતિય પરિક્ષાણ કરનાર ડોકટરો/હોસ્‍પિટલોની માહિતી જાણવા મળે તો જાહેર હિતાર્થે જાગૃત નાગરીક તરીકે આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી બેટી વધાવો અભિયાનમાં સહકાર આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.મનિષકુમાર બંસલએ જનસમુદાયને અપીલ કરેલ છે. જાહેર હિતાર્થે આવી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવમાં આવશે.


રીપોર્ટર-

મુસ્તાક સોઢા

ખંભાળિયા