Back

ભાટીયા ખાતે મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી સંપન્ન.


 મહિલાઓમાં પણ આત્મ વિશ્વાસ પેદા થાય તેવા શુભ આશય થી રાજ્ય સરકાર દ્વારા ૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુઘી મહિલા સશક્તિકરણ પખવાડીયું ઉજવાઇ રહ્યું છે ત્યારે ઉજવણીના પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની આહિર કન્યા છાત્રાલય ખાતે સવારે ૯ કલાકે મહિલા સુરક્ષા દિનની ઉજવણી એસ.પી.કચેરી દેવભૂમિ દ્વારકાના ઉપક્રમે આજ રોજ કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ બંશલેએ જણાવ્યું કે, મહિલાઓ આજે જ્યારે તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે કોઇપણ ક્ષેત્રે અન્યાય થાય તો પ્રતિકાર કરવા અને પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે ૧૮૧ સેવા સુવિધાઓની પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ તેમણે કોઇ પણ નાના મોટા પ્રશ્ને મહિલા પોલીસની મદદ લેવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે કંઇ પણ નાની મોટી સમસ્યા હોય તો નિઃસંકોચપણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

આ કાર્યક્રમમાં મહિલા સુરક્ષા તેમજ મહિલાલક્ષી કાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવી હતી. યોગ, પિરામીડ, રાસના સાંસ્કુતિક કાર્યક્રમો યોજાયા હતા. આત્મરક્ષણ માટે બહેનોને એડવાન્સ કરાટેની તાલીમ આપવામાં આવી હતી. અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ૧૫૦ બહેનોને એડવાન્‍સ કરાટેની તાલીમ લેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જામ-કલ્યાણપુરના જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ ખાતાનો સ્ટાફ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન, આહિર કન્યા છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓ, સ્કુલનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા. 

                                           

રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા