Back

ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ૬ દિવસમાં રેકોર્ડબ્રેક પ૪૦૦ દર્દીઓ.


ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં ૬ દિવસમાં રેકોર્ડબ્રેક પ૪૦૦ દર્દીઓ નોંધાયા છે, ત્યારે આ હોસ્પિટલમાં તબીબોની તંગી વર્તાઈ રહી છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જો કોઈ અરજી કરે તો ખંભાળીયાની સરકારી હોસ્પિટલનું નામ દર્દીની તપાસણીમાં આવે તેવું છે. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં રોજના ૧૦૦૦ દર્દી ઓ.પી.ડી. હોય જે સવારે નવથી દોઢેક વાગ્યા સુધીમાં ડોક્ટરો ચેક કરે છે. હવે એમ.બી.બી.એસ. ડોક્ટરો માત્ર ચાર છે. આઠમાંથી ચાર જગ્યા ખાલી છે અને ૧૦૦૦ દર્દીઓ આવે તો દરેકના ભાગે રપ૦ દર્દીઓ તપાસવાના આવે.સવારે નવ વાગ્યાથી સતત બે વાગ્યા સુધી ચારેય ડોક્ટર પાણી પીવા કરવા પણ ઉભા ના થાય તો એક દર્દીને ચેક કરવાનો સમય ૮૩ સેકન્ડ મળે. આ ૮૩ સેકન્ડમાં દર્દીને તપાસી નામ લખીને દવા પણ આપવાની અને જરૃર પડ્યે તેના રિપોર્ટ માટે પણ લખવાનું.જો કે, ૮૩ સેકન્ડમાં દર્દીને ચેકઅપ કરીને તેને દવા લખી રિપોર્ટ માટેનું લખીને મોકલી શકાય તો ખરેખર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ પડે, કેમ કે, સતત રપ૦ દર્દી આવી રીતે રોજ જોવા તે રેકોર્ડનું કામ છે. અહીં માત્ર ચાર ડોક્ટર છે જેમાંથી એક ડોક્ટરને દ્વારકા મુકવામાં આવ્યા છે ખંભાળીયામાં રોજ ૧૦૦૦ ઓ.પી.ડી. અને રોજ ૮૦/૯૦ ઈન્ડોર દર્દીની સામે ૮ માંથી ૪ તબીબ જ છે પણ તે પણ સરકારી તંત્રને દેખાતું ના હોય તેમ નીંભર ઉપરના તંત્રએ એક એમ.બી.બી.એસ.ને દ્વારકા ડેપ્યુટેશન માટે મૂક્યા. તેથી હવે ત્રણ તબીબ અને ૧૦૦૦ દર્દી દરેકના ભાગે ૩૩૩ દર્દી આવશે..


ખંભાળિયા માં 6 દિવસમાં 5400 જેટલા કેસ નોંધાયા છે ત્યારે ખંભાળીયા શહેર તથા તાલુકો આખો રોગચાળાના ગંભીર ભરડામાં ચોમાસાની સ્થિતિ તથા ધાબડ જેવા સૂર્યપ્રકાશ વગરના વાતાવરણથી થતાં શહેર તથા તાલુકામાં રોજના ર૮૦૦ થી ૩૦૦૦ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં આવતા ભારે ઉહાપોહ થઈ ગયો છે.માત્ર ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં કાલે ટીમ દ્વારા તપાસ કરાતા ગઈકાલે એક હજાર દર્દીઓ આઉટડોર પેશન્ટ તરીકે દાખલ થયા હતાં તો એજ રીતે ખંભાળીયા શહેર તથા તાલુકાની ખાનગી સરકારી હોસ્પિટલોમાં રોજ ર૮૦૦ થી ૩૦૦૦ જેટલા દર્દીઓ દવા લેવા આવતા હોય, ભારે ચર્ચા જાગી છે.તાવ ઝાડા ઉલટી માથાના દુખાવા સહિતના વ્યાપક કેસો વધવા પામ્યા છે દેવભૂમિ જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી જિલ્લા તંત્ર તો મચ્છરજન્ય તથા પાણી જન્ય રોગચાળા બાબતે જાગ્યું છે, પરંતુ ખંભાળીયા શહેરમાં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો, ફોગીંગ મશીન ચાલુ કરવા, ગંદકી દૂર કરવી તથા સર્વે કરીને ગંદા વસવાટવાળા વિસ્તારોમાં પગલા લેવાની માંગ કરાઈ છે. પાલિકા વિસ્તાર તથા ખંભાળીયા નજીકના ધરમપુર, હર્ષદપુર, શક્તિગનર વિગેરે વિસ્તારોમાં ૫ણ કડક પગલા લેવા માંગ ઉઠી છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા