Back

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ – સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઈ-ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયોઃ ગુજરાતના 248 તાલુકાઓમાં સામુહિક કાર્યક્રમનું આયોજન

ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના કિસાનોને પ્રેરક સંબોધનઃ પી. એમ. કિસાન નિધિ યોજના હેઠળ ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 1026 કરોડ જમા

કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત સહાય વિતરણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સંપન્નઃ પ્રતીકરૂપે લાભાર્થીઓને વિવિધ કીટ-ચેકનું વિતરણ કરાયું

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નવી દિલ્હીથી ઈ-ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો. આ સાથે ગુજરાતના વિવિધ 248 તાલુકાઓમાં સામુહિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી આર. સી. ફળદુ સહિત મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદ, ચેરમેનો તથા ખેડૂત આગેવાનો વિવિધ મથકોએ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા નવી દિલ્હીથી પી. એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારતભરના કુલ 9 કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં DBTના માધ્યમથી અંદાજે કુલ રૂ. 18 હજાર કરોડ જમા કરાવ્યા હતાં. જેમાં ગુજરાતના 51.34 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 1026 કરોડ જમા કરાવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના કિસાનો સાથે સંવાદ કરીને પ્રેરક સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અટલ બિહારી બાજપેયીના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, અટલજીનો જન્મદિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માને છે કે, ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશે. જગતનો તાત સમૃદ્ધ બને તેની આવક બમણી થાય અને સાચા અર્થમાં જગતનો તાત બને તે દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોની સરકાર, ગરીબોની સરકાર, જરૂરિયાત મંદોની સરકાર બની છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દાયકાથી કૃષિ આધારિત નીતિઓ બનાવીને ખેડૂત અને ગામડાને વધુ સમૃદ્ધ બનાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. અમારી સરકારે ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, ખાતર, પાણી અને વીજળી ઉપલબ્ધ કરાવી છે. ગુજરાત સરકારે ખેડૂત માટે વાવણીથી વેચાણ સુધીની વ્યવસ્થા સુદ્રઢ બનાવી છે.

તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારોમાં ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવતો હતો. જ્યારે અમારી સરકારે છેલ્લા બે દાયકાથી ખેડૂતો માટે વીજળી અને પાણીની પૂરતી વ્યવસ્થા કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં નર્મદા યોજના પૂર્ણ થઈ છે. અગાઉ કોંગ્રેસની સરકારોએ કેમ નર્મદા ડેમના દરવાજા લગાવવા દીધા ન હતા ? તેનો જવાબ ક્રોગ્રેસ આપે. નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી માત્ર 17 દિવસમાં નર્મદા ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અને ઉત્તર ગુજરાત માટે સુજલામ્ સુફલામ્ કેનાલ સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવી છે.

અમારી સરકારે સપના જોયા છે અને તેને સાકાર પણ કર્યાં છે. દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનું કામ પણ અમારી સરકારે કર્યું છે. ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે ગુજરાત સરકારે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં 1055 ગામોને ખેતી માટે દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. અમારી સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 15 હજાર કરોડની ટેકાના ભાવથી હજારો ટન પાકની ખરીદી કરી છે. અમારી સરકાર હર હાથ કો કામ, હર ખેત કો પાની ના મંત્ર સાથે કામ કરી રહી છે. તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કિસાન કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ગુજરાત સરકારની છાયડો યોજના અંતર્ગત છત્રીઓ, જીવામૃત કીટ, CABPની સબસીડીનું વિતરણ, દેશીગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય તેમજ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીને કીટ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના અંતર્ગત 51 જેટલાં લાભાર્થીઓને ગુડ્ઝ કેરેજ વાહનનું વિતરણ તેમજ 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના યોજના હેઠળ 51 વાહનોનું મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતેથી ફ્લેગ ઓફ લોકાર્પણ કર્યું હતું.

કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુશાસન દિવસ નિમિત્તે દેશના ખેડૂતોને કૃષિ કાયદાઓ અંગે વિગતવાર સમજ આપી હતી.

સુસાશન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કૃષિમંત્રીઓ, ખેડૂત ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, કૃષિ વિભાગના સચિવ મનિષ ભારદ્વાજ, સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય, ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાન સહિત કૃષિ આગેવાનો, ખેડૂત ભાઈ-બહેનો અને લાભાર્થીઓ જોડાયા હતાં.

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..