Back

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રી

૮ર૯પ પ્રવાસી શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ દિવાળી પહેલાં ચુકવાઈ જશે : શિક્ષણમંત્રી

પ્રવાસી શિક્ષકોના મહેનતાણાં માટે કુલ રૂા.૪૩.૩૭ કરોડની રકમ ફાળવાઈ

 

રાજ્યની માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને તેમની મહેનતાણાંની રકમ ચુકવવા શિક્ષણ વિભાગે સત્‍વરે કાર્યવાહી હાથ ધરીને દિવાળીના દિવસો દરમિયાન તેમનાં મહેનતાણાંની રકમ મળી જાય તેવી કાર્યવાહી કરતાં આ શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ મળી જશે. શિક્ષણ વિભાગે આ પ્રવાસી શિક્ષકોના મહેનતાણાં માટે કુલ રૂા.૪૩.૩૭ કરોડની ફાળવણી કરી દેતા પ્રવાસી શિક્ષકોને તેમની મહેનતાણાંની રકમ ચુકવાઈ જશે. તેમ શિક્ષણમંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્‍યુ છે.

 

આ પ્રવાસી શિક્ષકોની દિવાળીની ખુશીઓમાં વધારો કરવા બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ફરજ બજાવતાં પ્રવાસી શિક્ષકો માટે કુલ રકમ રૂા.૩૯.૦૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે તથા સરકારી શાળાઓમાં ફરજ બજાવતાં પ્રવાસી શિક્ષકો માટે રૂા.૪.૩૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્‍યાઓ સામે ખાલી જગ્‍યાઓ નિયમિત રીતે ભરાય નહી ત્‍યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહી તે માટે તાસદિઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવા તથા ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્‍ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂા.૧૩,૭૦૦/- તથા માધ્યમિકમાં માસિક મહત્તમ વેતન રૂા.૧૩,પ૦૦/- થી વધે નહીં તે રીતે પ્રવાસી શિક્ષકની નિમણૂંક કરવા માટેની યોજના શિક્ષણ વિભાગે અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ હાલ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે ૭,૩૩૧ પ્રવાસી શિક્ષકો તથા રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓમાં ૯૬૪ પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. આ શિક્ષકોને તેમના મહેનતાણાંની રકમ હવે ટૂંક સમયમાં ચુકવાઈ જશે.

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..