Back

કુન્નડ ગામના વનકુટીર મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી રંગા રંગ અને ભવ્યતા પૂર્વક કરવામાં આવી હતી.

જામનગર  જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામના વનકુટીર મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી રંગા રંગ અને ભવ્યતા પૂર્વક કરવામાં આવી હતી.


ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર  જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ ગામના વનકુટીર મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી રંગા રંગ અને ભવ્યતા પૂર્વક કરવામાં આવી હતી. ધ્‍વજવંદનને સલામી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્‍લા પોલીસ વડા શરદ સિંઘલે પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું.


આઝાદીમાં જાન કુરબાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા બાદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકાર દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ  કરવા માટે કટિબધ્ધ છે. જેના ભાગરૂપે ગ્રામ્ય અને શહેરી જનતાના લાભાર્થે રાજ્ય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીએ રજુ કરી હતી.


મંત્રી જયેશ રાદડિયાએ વડાપ્રધાન તથા મુખ્યમંત્રી દ્વારા લાગુ કરાયેલી વિવિધ યોજનાઓની વિગતો આપતા શહેર, જિલ્લા તથા રાજ્યના નાગરીકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્યના શાંત, સલામત, સોહાર્દપૂર્ણ અને સમરસ વિકાસમાં મંત્રીએ નાગરીકોના સહકારની અપેક્ષા દોહરાવી હતી અને ઉચ્ચ જીવનમૂલ્યો અપનાવવા પર ભાર મુક્યો હતો.


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારે તમામ નાગરિકોના સર્વાંગ વિકાસ માટે 600 જેટલા જનહિતના નિર્ણયો લઇ ગુજરાતના વિકાસને સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા તેમજ પ્રગતિશીલતાના આધારસ્તંભો પર ચરિતાર્થ કર્યો છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.


આ પ્રસંગે જોડિયા તાલુકાના વિકાસના વિવિધ કાર્યો માટે રૂ 25 લાખનો ચેક કલેક્ટર રવિશંકરને મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે  અર્પણ કરવામાં આવેલ હતો.  વિશિષ્ટ સેવાઓ આપવા બદલ જિલ્લાના નાગરિકોનું સર્ટીફિકેટ, મોમેન્ટો  આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.


જોડિયા તાલુકાની વિવિધ સ્કુલોના બાળકો દ્વારા યોગ નિદર્શન, તેમજ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ હતા. પરેડ નિદર્શનમાં જિલ્લાના પોલીસ વિભાગ, એન.સી.સી., હોમગાર્ડ, સ્ટુડન્ટ કેડેટના જવાનો લોકોમાં આકાર્ષણનું કેન્દ્વ બન્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી હર્ષની લાગણી વ્યકત કરી ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું.


આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ,  ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જાની, પ્રોબેશનલ કલેકટર સ્નેહલબેન, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડી.વાય.એસ.પી સૈયદ, હોમગાર્ડ કમાન્ડન્ટ ભીંડી, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, પદધિકારીઓ તથા શાળાના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનનું કમલેશ શુક્લ દ્વારા કરવામાં આવેલ હતું.


સંજય ભારાઈ જામનગર