Back

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે બદલતા વાતાવરણ સામે ટકાઉ ખેતીમાં ટેક્નોલોજીની ઉપયોગીતા વિષયે ત્રિ-દિવસીય કાર્યશાળાનો પ્રારંભ

જૂનાગઢ :  કૃષિ યુનિ. કેમ્પસમાં કૃષિ કોલેજ ખાતે ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ વિષયે ત્રણ દિવસની કાર્યશાળા જૂનાગઢ કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. વી.પી.ચોવટીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમમાં આઈ.સી.એ.આર. મોદીપુરમ ઉત્તર પ્રદેશથી પધારેલ અજીતસીંહ એસ.પનવારે કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રભરમાંથી પધારેલ કૃષિ વૈજ્ઞાનીકોને સંબોધતા જણાવ્યુ હતુ કે કૃષિ પ્રણાલીમાં વિકસતા આયામો અને આવશ્યકતાઓને ધ્યાને લઇને બદલાવ થતો રહે છે. દેશનાં વિવિધ વિસ્તારોમાં કૃષિ અને કૃષિ લક્ષી ખેત ઓઝારો અને ટેક્નોલોજીમાં બદલાવ જોવા મળે છે. 

આ સમુહચીંતન થકી રાષ્ટ્રનાં કીસાનોની ખેતપધ્ધતિઓ, ખેડુતોને કઇ રીતે ખેતી લાભપ્રદ બની રહે, રોજગારી નિર્માણક્ષેત્રે ખેતીકાર્યમાં કેવા બદલાવ હોવા જોઈએ, પર્યાવરણને થતુ નુકશાન કેમ રોકી શકાય, પશુપાલન-ખેતિ-બાગાયત, શાકભાજીની ખેતીમાં વૈવિધ્યતા અને કૃષિ ઉત્પાદકતા વધાર્યા બાદ કૃષિ ઉત્પાદનનાં નિકાલપાત્ર કચરાનું સુચારૂ વ્યવસ્થાપન કરવા સહિતની કાળજીઓ પર મંથન કરવામાં આવશે. કાર્યશાળામાં ચિંતન અને મંથન બાદ આવેલ નિષ્કર્ષોની અમલવારી અને ખેડુતોનાં આત્મઅનુભવોનું સંધાન કરી ૬૦ જેટલા દેશનાં ખેડુતોની સાંકળ રચવામાં આવશે જેનાથી બદલાતી આબોહવા, બદલાતા હવામાન અને પર્યાવરણીય પરીબળો અને ભુપૃષ્ટની સંરચનાઓને ધ્યાને લઇ ટેક્નોલોજીનાં આવિશ્કાર વિષયે અમલીકરણની દિશામાં પગરવ કરાશે. 

ખેતી સ્વચ્છ-સ્વસ્થ બને અને રાસાયણિક તત્વોથી મુક્ત રહે તે દિશામાં કૃષિ વૈજ્ઞાનીકો સમુહચિંતન કરી પરીબળો અને પરમાણોને તપાસી પરિણામો હાંસલ કરવા આગળ વધશે. 

 કાર્યક્રમનાં અધયક્ષ સ્થાનેથી કૃષિ યુનિ.નાં કુલપતિ ડો. વી.પી.ચોવટીયાએ જણાવ્યુ હતુ કે ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં જમીન, ખેડની અગત્યતા, ખાતર, સુધારેલા અને હાઇબ્રીડ બિયારણનું મહત્વ, વાવણી સમય, અંતર, પિયતની ડ્રીપ ઇરીગેશન અને સ્પ્રીંકલર પદ્ધતિઓ, મિશ્રપાક, આંતરપાક, રીલેપાક પદ્ધતિઓ, નિંદણ, આંતરખેડ અને પાક સંરક્ષણનું મહત્વ ખેડૂતો સમજયા છે અને તેવું કરવા પ્રેરાયા છે. 

તેઓ આધુનિક માર્કેટ યાર્ડ, માર્કેટના રોજેરોજના ભાવ વગેરે દૈનિક પેપર, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ દ્વારા જાણતા થયા છે. ખેત પેદાશોની મૂલ્યવૃદ્ધિ અને તેની સમજ વિકસી છે. બાયોટેકનોલૉજી, ટિસ્યુકલ્ચર, ગ્રીન હાઉસ ટેકનોલૉજી, હાઈડ્રોપોનિકસ, સેન્દ્રિય ખેતી, થ્રેસર, હાર્વેસ્ટર, ખેત આધારીત ગૃહ ઉધોગ/લઘુ ઉધોગની જાણકારી અને અપનાવવા જાણકારી મેળવતો થયો છે. 

તો સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઇ-એગ્રીકલ્ચરની અગત્યતા સમજાતી જાય છે. જૈવિક ખાતર (બાયોફર્ટિલાઇઝર), અળસિયા ઉછેર (વર્મીકલ્ચર), જૈવિક નિયંત્રણ (બાયો કંટ્રોલ) જેવા બાયો ટેકનોલૉજીના ક્ષેત્રના વિકાસે ખેતીને ઈકોફ્રેન્ડલી ખેતી તરફ દોરી વૈશ્વિક જવાબદારીઓના સ્વીકાર તરફ ધ્યાન દોર્યું છે. ખેડૂતો કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પરથી વિશ્વ સમસ્તની ખેતી વિષયક માહિતી મેળવતા થયા છે. તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કૃષિ યાત્રાધામ બન્યા છે. ટી.વી., રેડિયો, ખેડૂતોને કૃષિની અદ્યતન માહિતી પહોંચાડવા તૈનાત છે. 

હાલના સમયમાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો માટે તેની જાણકારીની તાતી જરૂરિયાત છે. 

ખેતી, બાગાયત તેમજ પશુપાલન અંગે થયેલા નવા વૈજ્ઞાનિક સંશોધનો અને પદ્ધતિઓ વિશાળ ખેડૂત સમુદાય સુધી સમયસર પહોંચે અને તેનો ઉપયોગ ખેડૂતો કરતા થાય તો રાજય તેમજ રાષ્ટ્ર કૃષિ વિકાસમાં ખૂબજ પ્રગતિ કરી શકે. 

ભારતની ખેતીએ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો સ્વીકાર કર્યો. તેના ફળ સ્વરૂપ આજે દેશ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકયો છે. આજ થી પ્રારંભ થઈ રહેલ કાર્યશાળાનાં સમહુચિંતન થકી રાષ્ટ્રના ખેડુતોને ખેતીક્ષેત્રે નવા આયામો તરફ દિશા નીર્દેશ સાંપડશે આ તકે ઉપસ્થિત જૂનાગઢના મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલે પ્રાસંગિક વકત્વયમાં જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨માં બમણી કરવા કરેલ નિર્ધારને પરિપુર્ણ કરવા દેશભરનાં કૃષિ વૈજ્ઞાનિકો આજે જૂનાગઢનાં અતિથી બની સમુહ ચિંતન કરશે ત્યારે ખરા અર્થમાં જૂનાગઢ એ ધરતીપુત્રોનાં અંતર અવાજને આત્મસાત કરવા કૃષિ તજજ્ઞોનાં માધ્યમે સાર્થક બનશે. 

શ્રી ધીરૂભાઈ ગોહેલે જણાવ્યુ કે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલશ્રી પણ સજીવ ખેતી અને ખેતી ખર્ચ રહીત ખેતીનાં હિમાયતી હોય આવો આપણે સજીવ ખેતીને અપનાવી સૌનાં આરોગ્યની ખેવાના કરી આવકની વૃધ્ધી કરવા તરફ પ્રયાણ કરીએ.  

જૂનાગઢ રેન્જ આઈ.જીશ્રી મનિન્દરસિંઘ પવારે કૃષિ વૈજ્ઞાનીકોને સજીવ ખેતી વિષયે સંબોધતા જણાવ્યુ હતુ કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. 

પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. 

ત્યારે સોરઠની કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમને જાળવવા પ્રાકૃતિક ખેતા પધ્ધતિને અપનાવી સજીવ ખેતી થકી ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વોનો ખાદ્યાન્નમાં ઉમેરો કરીએ તેમજ ખેતીમાં કૃષિ ઈજનેરીક્ષત્રે બદલાતી વિવિધ ખેત તકનીકી પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકની ગુણવત્તાઓ પર આજે દેશનાં વિવિધ રાજ્યોનાં વિષય નિષ્ણાંત વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે ત્યારે સચોટ અને આજની તાતી જરૂરીયાતોને ધ્યાને લઈ નિષ્કર્ષ આવશે. 

અખીલભારતિય મગફળી સંશોધન કેન્દ્રનાં ડી.જી.આર ડો. રાધાકૃષ્ણને મગફળીમાં સુકારા, સફેદધૈણ અને આ વર્ષે વરસાદી સિઝન લંબાતા મગફળીનાં ડોડવામાં જોવા મળેલ આફ્લાટોક્સીન નામક ફુગ વિષયે વૈજ્ઞાનીક તારણ રજુ કર્યા હતા. 

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ વૈજ્ઞાનીકશ્રીઓએ સંપાદિત કરેલ પુસતીકાઓનું વિમોચન કર્યુ હતુ.  

કાર્યક્રમનાં પ્રારંભે કૃષિ કોલેજનાં આચાર્યશ્રી બી.કે.સગારકાએ ત્રિદિસીય કાર્યશાળાની વિગતો રજુ કરી આમંત્રીત કૃષિ વૈજ્ઞાનીકોને આવકાર્યા હતા. કાર્યક્રમાં ઉપસ્થિત મહાનુભાવોનો આભાર દર્શન આર.એમ. સોલંકીએ અને કાર્યાશાળાનાં પ્રથમ સત્રનું સફળ સંચાલન પ્રા. વિરેન્દ્ર ભટ્ટે કર્યુ હતુ. 

આ કાર્યશાળામાં બીઝનેશ મેનેજમેન્ટ કોલેજનાં ડીન ડો. કુમનભાઈ ખુંટ, વિદ્યાર્થિ કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો. વી.આર. માલમ, રજીસ્ટ્રાર પી.આર. ચૈાહાણ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. વી.વી. રાજાણી સહિત યુનિ.નાં કૃષિ વૈજ્ઞાનીકો, કૃષિ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા.... જૂનાગઢ

Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..