Back

લીંબાસીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ યોજાયો

વર્ષ ૨૦૨૨ સુધીમાં આધુનિક અને સુધારેલી ખેતી દ્ધારા કિસાનોની આવક બમણી કરાશે

-શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ખેડૂતો સપ્રમાણ ઇનપુટ દ્ધારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે

ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા મંત્રીનો અનુરોધ

પ્રગતિશીલ ખેડૂતો તેમજ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું બહુમાન

જિલ્લાના અન્ય નવ તાલુકાઓમાં પણ કૃષિ મહોત્સવ યોજાયો

રાજયના ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિક્તાઓ, જળસંચય અને જળસિંચન થકી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, કૃષિ યાંત્રિકીકરણ થકી ઓછા ખર્ચે સમયસર ખેતી કાર્યો, મૂલ્યવર્ધન આદર્શ પશુપાલન તેમજ સરકારની ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે રાજય સરકારે ખરીફ કૃષિ મહોત્સવ ૨૦૧૯ નું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લાના લીંબાસી ખાતે યોજાયેલ કૃષિ મહોત્સવને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લો મુક્યો  હતો. ખેડા જિલ્લામાં અન્ય નવ તાલુકાઓમાં પણ આજે કૃષિ મહોત્સવ યોજાયો હતો.

શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેડૂતોને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને બિયારણનો સપ્રમાણ ઉપયોગ કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું.

તેમણે ખેતીમાં વધુ પડતા રાસાણિક ખાતર અને જંતુનાશક દવાઓ માનવજાતના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યારે સપ્રમાણ ઇનપુટસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા જણાવ્યું હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એ.પી.એમ.સી. લીંબાસી ખાતે યોજાયેલ માતર તાલુકાના કૃષિ મહોત્સવમાં પ્રગતિશીલ ખેડૂતો તેમજ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા ખેડૂતોનું શાલ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કાર સ્વરૂપે ચેક વિતરણ કરી સન્માન કર્યું હતું.

શિૅક્ષણમંત્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી, વીજળી, ખેત પેદાશો, પોષણક્ષમ ભાવો મળતા નહોતા જેને પરિણામે ખેડૂતોને આંદોલનો કરવા પડતા હતા, પરંતુ રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની સમસ્યાનો કૃષિ મહોત્સવના માધ્યમથી ઉકેલ કર્યો છે.

કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને ઘેર બેઠા આધુનિક અને વૈજ્ઞાનિક ખેત પધ્ધતિઓ, આદર્શ પશુપાલન અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્ધારા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવે છે. જેને પરિણામે ખેડૂતો કૃષિ સાથે પશુપાલનનો વ્યવસાય અપનાવતા થયા છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ વધી છે.

ખેડૂતો આર્થિક રીતે સમૃધ્ધ બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધતા સાથે આગળ વધી રહી છે. તેનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં આધુનિક અને સુધારેલી ખેતી દ્ધારા દેશના કિસાનોની આવક બમણી કરવાનું લક્ષ્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાખ્યું છે. ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહી પ્રધાનમંત્રીના નવા ભારતના સંકલ્પને સાકાર કરવા લક્ષ્ય-સિધ્ધિ માટે સકલ્પબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ ખેડૂતોને સમાયાંતરે પોતાની જમીનની ચકાસણી કરાવી કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અનુરોધ કર્યો હતો.

જણાવ્યું કે, કૃષિ મહોત્સવની સાથે સાથે પશુઓમાં થતા જટીલ રોગોના નિદાન સારવાર માટે પશુઆરોગ્ય મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો દરેક પશુપાલકોએ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

શિક્ષણમંત્રીએ આ અવસરે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનની પણ મુલાકાત લઇ વિવિધ સ્ટોલોનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

પ્રારંભમાં સંયુક્ત ખેતી નિયામક બી.યુ.પરમારે સૌનો આવકાર કર્યો હતો. અંતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારાએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, પ્રભારી સચિવ એ.કે.રાકેશ, કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, એ.પી.એમ.સી.ના ચેરમેન, કૃષિ-બાગાયત-પશુપાલન વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહયા હતા.

 

 

 

 

 

માતર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..