Back

નડિયાદમાં ‘‘સહી પોષણ દેશ રોશન‘‘ સુપોષણ ચિંતન સમારોહ સંપન્‍ન

ખેડા જિલ્‍લાનું એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે આંગણવાડી કાર્યકરો સંકલ્‍પબધ્‍ધ બને

                                                                                - પંકજભાઇ દેસાઇ

આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને રૂ. ૪.૮૦ લાખના માતા યશોદા એવોર્ડ વિતરણ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના ‘‘સહી પોષણ – દેશ રોશન‘‘ આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્‍્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા નડિયાદમાં સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો.

ગુજરાત વિધાનસભાના મુખ્‍યદંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું કે ભારત સરકાર દ્વારા કિશોરીઓ, સગર્ભા માતાઓ અને બાળકોના કૂપોષણને દૂર કરવાના હેતુથી વડાપ્રધાન દ્વારા રાજસ્‍થાનના ઝુજુનું જિલ્‍લામાંથી માર્ચ – ૨૦૧૮ માં પોષણ અભિયાનની રાષ્‍ટ્રવ્‍યાપી શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં જુલાઇ – ૨૦૧૮ થી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પોષણ અભિયાન હેઠળ આંગણવાડીના બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓને પોષણક્ષમ આહાર પુરો પાડી તેમને કુપોષણમાંથી મુક્ત કરવાનું સરકારે અભિયાન આદર્યુ છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્‍તે લાભાર્થીઓને ટી.એચ.આર હેઠળ ફળ-કઠોળ તેમજ બાળકેાના પોષણ સ્‍તરના મોનીટરીંગ અંગેના રજિસ્‍ટરનું વિમોચન કરવા સાથે ઘટક તેમજ નગરપાલિકા કક્ષાની ૧૫ આંગણવાડી કાર્યકર અને ૧૫ તેડાગર બહેનોને રૂ. ૪.૮૦ લાખના માતા યશોદા એવોર્ડ, મોમેન્‍ટો, બેગ, કિચનવેર તથા ગણવેશ સાડીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

 પંકજભાઇ દેસાઇએ ખેડા જિલ્‍લાને સુપોષણયુક્ત બનાવવા માટે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બેહેનોની કામગીરીને બિરદાવતા તંદુરસ્‍ત સમાજના નિર્માણ માટે ખેડા જિલ્‍લાનું એકપણ બાળક કૂપોષિત ન રહે તે માટે તમામ આંગણવાડી કાર્યકરોને સંકલ્‍પબધ્‍ધ બની સરકારના અભિયાનને સફળ બનાવવા જણાવ્‍યું હતું.

સાંસદ દેવુસિંહ ચૌહાણે આજનું બાળક આવતીકાલે દેશનો નાગરિક બનાવાનો છે ત્‍યારે બાળકોમાં સંસ્‍કાર ઘડતર સાથે તંદુરસ્‍તી ઘડતરનું કામ આંગણવાડીની બહેનો માતા યશોદા બની કરી રહી છે તે સરાહનીય છે.

તેમણે બાળકોના વાલીઓ સાથે સંવાદ સાધી પરિવાર અને સમાજમાં સ્‍વચ્‍છતાનો સહજ સ્‍વભાવ કેળવાય તે માટે કામગીરી હાથ ધરવા જણાવ્‍યું હતું.

જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે સુપોષણ અભિયાનને જનઆંદોલન તરીકે ઉપાડી ખેડા જિલ્‍લાના જન જન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

પ્રારંભમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એન.મોદીએ સૌનો આવકાર કરતાં જણાવ્‍યું કે બાળકોએ રાષ્‍ટ્રનું ભાવિ છે, ત્‍યારે ખેડા જિલ્‍લામાં સુપોષણ અભિયાન હેઠળ આંગણવાડીના બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓને પુરક પોષણ પુરો પાડવામાં આવે છે. નડિયાદ, ખેડા, મહુધા અને વસો તાલુકામાં આવેલ આંગણવાડી કેન્‍દ્રોમાં ટેક હોમ રેશન હેઠળ પોષણયુક્ત આહાર પુરો પાડવામાં આવે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

આંગણવાડીના ભૂલકાંઓએ પોષણ આહાર અંગેની વેશભૂષા રજૂ કરી હતી.

આ પ્રસગે કલેકટર સુધીર પટેલ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિના અધ્‍યક્ષા મનીષાબેન, તાલુકા / જિલ્‍લા પંચાયત સદસ્‍યો, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી એમ.કે.પટેલ, પદાધિકારીઓ સહિત આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો ઉપસ્‍થિત રહી હતી.

 

 

 

નડિયાદ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..