Back

કચ્છ આરોગ્ય શાખાને રાષ્ટ્રીય સ્તરનો સ્કોચ એવોર્ડ એનાયત

પ્રકાશ ઠક્કર દ્વારા 

વ્યાપક જન સમુદાયને સકારાત્મક લાભો પહોંચાડવા સક્ષમ અને પ્રેરણાદાયક પ્રોજેકટને રાષ્ટ્રીય સ્તરે સ્કોચ એવોર્ડ આપવમાં આવે છે. સ્કોચ ગ્રૂપ દ્વારા આયોજિત વર્ષ 2019ના આ એવોર્ડ માટે કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તરફથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે રજૂ કરેલા ઇ હેલ્થ, સોનોગ્રાફી અને બાલસખા-3 પ્રોજેકટને તાજેતરમાં દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ એનાયત કરીને સન્માનવામાં આવ્યા હતા.

વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટા અને અંતરિયાળ વિસ્તારને આવરતા કચ્છ જિલ્લાના છેવાળાના માનવી સુધી આરોગ્ય સેવાઓ મળી રહે એવી ત્રણ કલ્યાણકારી યોજનાઓ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના પ્રેરણાદાયી માર્ગદર્શનને લીધે જ શકાય બની હોવાનું જણાવી ડો. કન્નરે આભારની લાગણી વ્યક્ત કરતા કચ્છ જિલ્લા માટે આ ખૂબ મોટા ગૌરવની ઘટના હોવાનું જણાવ્યું હતું.

નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા ખાનગી બાળરોગ નિષ્ણાંતને સાંકળતી બાલસખા-3 યોજના અંતર્ગત બાળકની સારવાર માટે 49 હજાર સુધીનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. જ્યારે સગર્ભાવસ્થા દરમ્યાનથી જ  બાળકનો યોગ્ય વિકાસ થાય છે કે નહીં તે જોવા તમામ સગર્ભા માતાઓની સોનોગ્રાફી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે આ અંતર્ગત ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત અને રેડીયોલોજીસ્ટ સાથે  સંકલન કરીને અત્યાર સુધીમાં 64544 સગર્ભાની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત ઇ હેલ્થ અંતર્ગત આરોગ્ય સ્ટાફના જ્ઞાનમાં વૃધ્ધિ થાય અને એ થકી લોકોને ગુણવત્તા સભર સેવાઓ મળી રહે તે માટે સમયાંતરે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરીને મૂલ્યાંકન કરવામાં આવે છે. લોકોપયોગી અને લોકજીવનમાં પરિવર્તન લાવનારા આ પ્રોજેકટ અને એવોર્ડ માટે આરોગ્ય ખાતાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.