Back

મુન્દ્રા આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા ડેન્ગ્યુ રોગ અટકાયતી કામગીરી હાથ ધરાઈ

પ્રકાશ ઠક્કર દ્વારા..

એસ ટી બસ સ્ટેશનના ટાયરમાં ડેન્ગ્યુ મચ્છરના પોરા જોવા મળતા નિકાલ કરાયો

મુન્દ્રા, તા.૩૦: ચોમાસા દરમ્યાન ઉદભવતા રોગો ખાસ કરીને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવા રોગોને અટકાવવા  તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરની સૂચના અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટીયાના માર્ગદર્શન હેઠળ મુન્દ્રામાં આવેલ એસ ટી બસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન જેવી જાહેર અને સરકારી કચેરીઓની મુલાકાત લેવામાં આવી હતી.  જેમાં વરસાદી ઋતુ દરમ્યાન ખુલ્લામાં પડેલ ટાયર વિગેરેમાં વરસાદી પાણીના જમાવડાથી ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો ફેલાવતા મચ્છરોના પોરા જોવા મળ્યા હતા જેનો ડેપો મેનેજરને સાથે રાખીને નિકાલ કરવાની સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. આ સાથે તાલુકાની સરકારી તથા જાહેર સ્થળોએ પોરનાશક કામગીરી ઝૂંબેશ સ્વરૂપે આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

મચ્છરજન્ય રોગોથી બચવા સાફ સફાઈ રાખવી

મચ્છરોના પોરા માનવસર્જિત પાત્રો જેવા કે સિમેન્ટના ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજામાં જમા રહેતા પાણીમાં આ મચ્છર ઇંડા મૂકે છે. જેમાંથી 7 થી 12 દિવસમાં પુખ્ત મચ્છર બને છે. જેના કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેને અટકાવવા માટે બિનજરૂરી ડબ્બા-ડુબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવા, ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરવું, પાણીની સિમેન્ટની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો ઢાંકીને રાખવા, અગાશી, છજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો, છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરવો, ડેન્ગ્યુના મચ્છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..