Back

શેખડીયા ગામે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

પ્રકાશ ઠક્કર દ્વારા...

 ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય અંતર્ગત જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત બી.આર.સી. મુન્દ્રા દ્વારા શેખડીયાની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ ગયો. જેમાં જિલ્લાકક્ષાએથી પધારેલ ડાયટના લાયઝન અધિકારી સંજયભાઈ ઠાકરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભારતભરમાં યોજાનાર વિજ્ઞાન મેળાઓ ગુજરાતના પનોતા પુત્ર વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષને અનુલક્ષીને તેમને સમર્પિત કરવામાં આવેલ છે.

વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રત્યે નાનપણથી જ બાળકોમાં જાગૃતિ વધે તે માટે અલગ અલગ વિષયોને આવરતી કુલ ૫૫ કૃતિઓ બાળ-વિજ્ઞાનીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. જેમાંથી જબલપુર, મોટા કપાયા, લુણી, ભુજપુર તથા મુન્દ્રાની શેઠ આર.ડી. પ્રાથમીક શાળાની કૃતિઓ જિલ્લાકક્ષાના વિજ્ઞાનમેળા માટે પસંદગી પામેલ. બી.આર.સી. કો ઓર્ડીનેટર ડો.મોહનલાલ પરમારના માર્ગદર્શન હેઠળ શેખડીયા ગામે પ્રથમ વખત તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાના સફળ આયોજન માટે શાળાના આચાર્ય અલ્પેશ સેનમાએ ગામના સરપંચ કમલેશ ગઢવી, નાગાજણ ગઢવી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, તાલુકા સહકારી ધિરાણ મંડળીના આર્થિક સહયોગ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

વિજ્ઞાન મેળાનું ઉદ્દઘાટન ગામની જ સૌથી વધુ ભણેલી દીકરી અંજલિ ગઢવીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. તથા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા વિકાસ અધિકારી એમ.જે. વાયડા, તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી હરેશ પટેલ, મનહરસિંહ ઝાલા, રવજી રાઠોડ, હિતેશ પટેલ, ભરત  સાતુના, દેવલબેન ગઢવી, અદાણી ફાઉન્ડેશનના જાગૃતિબેન જોશી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..