Back

માતાનામઢ પદયાત્રી કેમ્પના આયોજકોએ મંજૂરી લેવી જરૂરી

પ્રકાશ ઠક્કર દ્વારા..


હવે મતદાતાઓ ઓનલાઈન જાતે ચુંટણી કાર્ડમાં સુધારો કરી શકશે

મામલતદારના અધ્યક્ષ સ્થળે તાલુકા કક્ષાની મિટિંગમાં વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

તાજેતરમાં મામલતદાર કચેરીમાં મુન્દ્રા તાલુકાના તમામ વિભાગોના વડાઓની તાલુકા કક્ષાની યોજાયેલ મીટીંગમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રાંત કચેરીના નાયબ મામલતદાર રાજન વ્યાસે મતદાર ચકાસણી કાર્યક્રમ અંતર્ગત હવે મતદાતાઓ ઘેર બેઠા એન્ડ્રોઇડ એપ્લિકેશન - વોટર હેલ્પલાઈન અથવા રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (NVSP) દ્વારા ચૂંટણી કાર્ડમાં રહેલી ભૂલો સુધારી શકશે. અને ત્યારબાદ બુથ લેવલ ઓફિસર દ્વારા આઠ નંબરના ફોર્મમાં ઘેર આવીને ચકાસણી કર્યા બાદ નવું કાર્ડ નજીકના કલેક્ટર કચેરી તથા મામલતદાર ઓફિસમાં આવેલ મતદાર સુધાર કેન્દ્ર પરથી 30  રૂપિયા ફી આપીને કઢાવી શકશે.

મુન્દ્રામાં છેલ્લા બાર માસથી ચૂંટણી કાર્ડ કાઢવાની કામગીરી બંધ છે એવો મુદ્દો તાલુકા વિકાસ અધિકારી એમ. જે. વાયડાએ ઉઠાવતા મામલતદારશ્રી પી. એસ. વાઘેલાએ અંગે વારંવાર જિલ્લા કક્ષાએ સબંધિતોને મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવેલ હોઇ હાલ પૂરતું મુન્દ્રા સિવાયના નજીકના કેન્દ્ર પર કાર્ડ કઢાવવું પડશે એવી માહિતી આપી હતી. ચૂંટણી કાર્ડ સુધારાની કામગીરી મામલતદાર કચેરીમાં આવેલ સુધાર કેન્દ્ર તથા દરેક ગ્રામ પંચાયત સહાયક પાસેથી પણ થઈ શકશે પરંતુ માનવીય ભૂલોને નિવારવા લોકો કાર્ડ જાતે અપડેટ કરે હિતાવહ હોવાનું નાયબ મામલતદાર કનકભાઈ રાઠોડે જણાવ્યું હતું.

માતાનામઢ પદયાત્રી કેમ્પની જાણ સ્થાનિક તલાટીને કરીને પોલીસ ખાતામાં રજીસ્ટ્રેશન કરાવીને મંજૂરી લેવી તથા નિયમોનુસાર જી. . બી. પાસેથી વિદ્યુત જોડાણ લેવું તથા લાઉડ સ્પીકર માટે મામલતદાર કચેરીએ મંજૂરી લેવી, સ્વચ્છતા જાળવવી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. 

અંતમાં લોકોને ઉપયોગી કચ્છ જિલ્લા પંચાયતની એપ્લિકેશન દરેકે પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવી જોઈએ એવી અપીલ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. એપમાં વિવિધ યોજનાઓના ફોર્મ, અધિકારી - કર્મચારીઓના કોન્ટેક નંબર જેવી અગત્યની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ હોવાનું શ્રી વાયડાએ જણાવ્યું હતું.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..