Back

આયુષ્યમાન ભારત યોજના હેઠળ રતાડીયાના યુવાનને મળ્યું નવજીવન

પ્રકાશ ઠક્કર દ્વારા..

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નાના એવા રતાડીયા ગામના યુવાનને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્યમાન ભારત કાર્ડની મદદથી મગજની ગાંઠનું સફળ ઓપરેશન કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. વાત છે આજથી સાત માસ પહેલાની... રતાડીયા ગામના શ્રમજીવી યુવાન ઇબ્રાહિમ સીધીક લુહાર કડીયાકામ કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે તેમાં એક દિવસ કામ કરતા અચાનક ચક્કર આવતા પડી જવાથી સ્થાનિકે દવા લીધી પણ ફેર ન પડતા વધુ સારવાર માટે તેના ભાઈ યુસુફ તેને ભુજ લઈ ગયો. જયાં સ્થાનિક મિત્ર અભિષેક વોરાની મદદથી ડો. સચિન ઠકકર પાસે નિદાન કરાવતા મગજમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું. દરરોજ મજૂરી કરીને બસો ત્રણસો કમાતા પરિવારને બે ત્રણ લાખનો ખર્ચ થશે તે વાત સાંભળીને તો જાણે માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાણી, એમાંય ઇબ્રાહીમએ પંદર વર્ષની નાની વયે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ. માતા રાંભિયાબાઈએ ઘરકામ કરીને ત્રણ પુત્રોને મોટા તો કર્યા પણ અચાનક આવી પડેલી આ મુસીબતથી અવાચક જ બની ગયા, પરંતુ હિંમત ન હાર્યા. અને અલ્લાહ પર ભરોસો રાખીને સૌ પ્રથમ ગીતા હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું ત્યારબાદ ગામના માજી સરપંચ વિક્રમસિંહ જાડેજા, ફકીરમામધ સાલેમામધ લુહાર તથા આરોગ્ય સુપરવાઈઝર પ્રકાશ ઠકકરની મદદથી મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્રના સિનિયર ડો. મનોજ દવેની સલાહ લઈને પ્રથમ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તપાસ કરાવીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મગજની ગાંઠનું ઓપરેશન કરાવ્યું તથા આનુસંગિક સેવાઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેળવીને ઇબ્રાહિમ આજે તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે.

આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ત્રણ લાખથી વધારેની સારવાર વિનામૂલ્યે મેળવનાર શ્રમજીવી ઇબ્રાહિમ તથા તેનો પરિવાર આરોગ્ય ખાતું, ગુજરાત સરકાર તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..