Back

મુંદરામાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી

સપ્તધારા અંતર્ગત બ્રહમાકુમારીઝ દ્વારા યોગ-ધ્યાન અને નાટક ભજવાયું.

મુંદરા: વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ અંતર્ગત તાજેતરમાં તાલુકા હેલ્થ ઓફીસ અને રોટરી કલબ મુંદરાના સંયુક્ત ઉપક્રમે સમાજમાં ઓછા ચર્ચાતા આ મુદ્દે લોકો ખુલ્લીને બહાર આવે અને જન જાગૃતિ ફેલાય તે ઉદેશ્યથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા, સેનેટરી પેડ, કિશોરી સ્વાસ્થ્ય જેવા વિષયો પર સુત્રોચાર કરીને જાગૃતિના પ્રયાસો હાથ ધરાયા હતા.

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રોટરી હોલ ખાતે યોજાયેલ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ઉજવણી કાર્યક્રમનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના મેડીકલ ઓફિસર ડૉ. ક્રિષ્નાબેન ઢોલરીયા, રતાડિયાના ડૉ. રીતુબેન પરમાર, ડૉ. પુજાબેન કોટડીયા તથા રોટેરિયન નરેન્દ્ર દવે, મનોજ તન્ના, સુનીલ વ્યાસ તથા બ્રહ્માકુમારીઝ સુશીલાદીદીના હસ્તે  દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત બ્રહ્માકુમારીઝ દ્વારા યોગ, ધ્યાન અને મેડીટેશન દ્વારા કરવામાં આવેલ જેમાં સુશીલાદીદીએ શરીરની સ્વચ્છતાની સાથે મનની સ્વચ્છતા પર ભાર મુકતા આત્માથી પરમાત્મા સુધીના મિલનની વાત ભાવવાહી શૈલીમાં કરીને સૌને મંત્રમુગ્ધ કરેલ.

સપ્તાધારા અંતર્ગત માસિક સ્વચ્છતા અંગે બારોઈના આરોગ્ય કાર્યકર દ્વારા તૈયાર કરેલ નાટકે સૌના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ કાર્યક્રમનું ઉદેશ્ય સમજાવતા ડૉ. ક્રિષ્નાબેન ઢોલરીયાએ કિશોરીઓને માસિક દરમ્યાન થતી વિવિધ સમસ્યાઓ, રાખવાની કાળજી, તે દરમ્યાનની સ્વચ્છતા તથા જંતુમુકત સેનેટરી પેડના વપરાશ અંગે પ્રોત્સાહિત કરવામાં આવેલ. તાલુકા એડોલેશન કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલા દ્વારા માસિક ધર્મ હાઇજીન, એનીમિયા, આર્યનની ગોળી વિશે પરામર્શ કરીને માર્ગદર્શન આપવામાં આવેલ.

કાર્યક્રમમાં આવેલ તમામ કિશોરીઓનું લેબોરેટરી ટેકનેશિયન ધવલ ભાવસાર અને સંસ્કૃતિબેન મહેતા દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટ તથા બોડી માસ ઇન્ડેક્ષ કાઢવામાં આવેલ. અને તમામને સેનેટરી પેડના પેકેટનું વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ ઠકકર દ્વારા કરવામાં આવેલ. 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..