Back

પાંચમહુડીયા ગામના લોકોએ લોકફાળા થકી પાણીનું મહત્વ સમજી પોતાનું ભાવિ ઉજજવળ બનાવ્યું

રાષ્ટ્રિય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ લોકભાગીદારીથી ગામના છેવાડાના વિસ્તારના ઘરો સુધી શુધ્ધ સાત્વિક પાણી મળ્યું

મોબાઈલ સેન્સર સીસ્ટમ દ્વારા દુરથી પમ્પીંગ સ્ટેશન ઓપરેટીંગ કરવામાં આવે છે

પાંચ મહુડીયા ગામની પાણી સમિતિની બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સરકાર દ્વારા રૂા.૫૦,૦૦૦ હજારનું પ્રોત્સાહક ઇનામ

ગામના છેવાડા ના વિસ્તારના ઘરો સુધી શુધ્ધ સાત્વિક પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્રારા જિલ્લા  જળ અને સ્વચ્છતા એકમ મહીસાગર દ્રારા જિલ્લાના જુદા જૃદા ગામોમાં રાષ્ટ્રિય ગ્રામિણ પેયજળ યોજના હેઠળ લોકભાગીદારી થી પીવાના પાણી ની યોજનાઓ બનાવવામાં આવે છે. ગામની પાણી સમિતિ તેનું સંચાલન અને મરામતની કામગીરી કરે છે. જિલ્લાના લુણાવાડા તાલુકાથી અંદાજે ૧૬ કિ.મી. દૂર આવેલ પાંચમહુડીયા ગામમાં ૧૬૦ જેટલા ઘરો અને ૧૧૦૦ જેટલી વસ્તી આવેલ છે ગામમાં વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. ગામમાં કુલ ચાર  મોટા ફળિયા આવેલા છે, પાંચમહુડીયા ગામ અંદાજે ૨ કી.મી.ના વિસ્તારમાં સમાવેશ થયેલ છે. ગામમાં પીવાના પાણી માટે ગામતળમાં મીઠું પાણી ના મળવાથી તથા ટી.ડી.એસ.નું પાણીમાં પ્રમાણ વધારે હોવાથી ગ્રામજનોએ દુર થી પાણી મેળવવામાં આવતું અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો તેમજ આર.ઓ. સિસ્ટમના બોટલની ખરીદી કરી પાણી મેળવવામાં આવતું હતું. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઑર્ગેનાઈઝેશન ( વાસ્મો) સંસ્થા દ્વારા એન.આર.ડી. ડબલ્યુ .પી. કાર્યક્રમ હેઠળ ગામમાં સર્વ પ્રથમ ગ્રામજનો સાથે મુલાકાત કરી મિટીગ કરવામાં આવી તેમજ ગ્રામસભામાં પાણી સમિતિની રચના કરવામાં આવી. જેમાં મહિલા સભ્યોએ દરેક ફળિયામાં મિંટીગ કરી ઘરે ઘરેથી ફરી ૧૫૦૦ / - જેટલો લોકફાળો એકત્ર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ અંતર્ગત પાંચ મહુડીયા ગામે નવીન કુવો, પાઈપલાઈન, પંપરૂમ, પંમ્પીગ મશીનરી,જયોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજ જોડાણ જેવા કામો માટે રૂા.૨૦.૩૩ લાખની વહીવટી મંજુરી મળી હતી. આમા ગામ લોકો દ્રારા ૨.૦૩લાખનો લોકફાળો ભરવામાં આવેલ છે. ત્યારબાદ યોજનાની કામગીરી માટે પાણી સમિતિની દેખરેખ નીચે સુંદર કામગીરી  કરી વર્ષ ૨૦૧૭ માં યોજના પૂર્ણ કરી ચાર ઝોનમાં પાણી  આપવાનું શરૂ કરવામાં આવ્યું. હાલમાં ૧૬૦ જેટલા ઘરમાં નળ કનેકશન દ્વારા શુધ્ધ સાત્વિક પાણી પુરવઠો મળે છે. પાણી સમિતિ ધ્વારા પાણી વિતરણ વ્યવસ્થા માટે ઓપરેટરની નિમણૂંક કરવામાં આવેલ છે. આમ આખરે પાંચમહુડીયા ગામના લોકોએ લોકફાળો તથા પાણીનું મહત્વ સમજી પોતાનું ભાવિ ઉજજવળ બનાવ્યું ગામની પેયજળ યોજનાનું કામ પૂર્ણ થયે પાણીના પ્રેશરની ચકાસણી સમયે આખું ગામ એક સ્થળે એકઠા થતાં એવું લાગ્યું કે જાણે પોતાના પરિશ્રમનું ફળ જાણે નિહાળી રહયાં હોય  તેમ લાગ્યું. ગામે અનુભવ્યું કે પાણી બોલવામાં બે સેકન્ડ પણ નથી થતી, પરંતુ પાણી મેળવવામાં બે જનમ પણ ઓછા લાગે છે. ગામ દ્રારા સંકલ્પ લેવામાં આવ્યો કે આટલી મહેનત બાદ આવેલ પાણીની મહત્તા આપણે હજુ પણ નહી સમજીએ તો આપણી આવનારી પેઢી પાસે પાણી એક માત્ર શબ્દ તરીકે જ રહી જશે.

આ યોજનાની વિશિષ્ટતા જોઇએતો ગામથી કુવો અંદાજે ૧ કી.મી. દુર હોય  ગામમાંથી મોબાઈલ સેન્સર દ્વારા ઓપરેટીંગ કરવામાં આવે છે જ્યારે પંમ્પીગ સ્ટેશનમાં લગાવવામાં આવેલ ઇન્સ્ટ્રુમેન્ટમાં સીમકાર્ડ લગાવવામાં આવ્યું છે જ્યારે ગામમાંથી કોલ કરવામાં આવે ત્યારે ચાર ડીજીટનો કોડ નંબર લગાવી મોટર ચાલુ અને બંધ કરી શકાય છે, તેમજ ઇલેકટ્રીક લાઇટ છે કે નહી તેની તેમજ મોટરના એમ્પીયરની પણ જાણકારી આ સિસ્ટમથી મોબાઇલમાં મળે છે અને ગામમાં ૨૪x૭ પાણી મળે છે. મહિલા પાણી સમિતિ ધ્વારા બચાવ તથા બગાડ માટે કડક નિયમો પણ કરવામાં આવ્યા છે. દરેક પાણી કનેકશન દીઠ વાર્ષિક રૂા.૩૫૦/- પાણીવેરાની રકમ એકત્ર કરી બેંકમાં જમા કરાવી વહીવટ કરવામાં આવે છે. ચોમાસામાં કુવામાં કલોરીનેશન પણ કરવામાં આવે છે. આ યોજના થકી એકજ સોર્સમાંથી પાણી પુરવઠો મળવાના કારણે આર.ઓ.બંધ થતા વીજળીની બચત થાય છે તથા ઘર વપરાશ માટે મોટર દ્વારા પાણી ચઢાવવામાં આવતું જેમાં વીજળી દરમાં ફાયદો થયેલ છે.ગૃહિણી મહિલાઓ માટે ખાસ ચા ફાટી જવી, દાળ ના ચઢવી તેવા પ્રશ્નોનો નિકાલ થયેલ છે  તેમજ દુરથી પાણી લાવવાના સમયની બચત થતાં ખેતી કામ માટે પણ  તેમને વધુ સમય મળે છે.

પાંચ મહુડીયા ગામની પાણી સમિતિની બહેનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ હમણા જ રાજય સરકાર દ્વારા વાસ્મો મારફત રૂા.૫૦,૦૦૦ હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું છે. 

 

લુણાવાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..