Back

મહીસાગર જિલ્લામાં પીવાના પાણી સંદર્ભે બેઠક યોજાઇ.

જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે કાળજી રાખવી જરૂરી  મહીસાગર જિલ્લામાં પીવાના પાણી સંદર્ભે બેઠક યોજાઇ.

લુણાવાડા,

પીવાના પાણીની સમસ્યાને નિવારી પ્રજાજનોને પૂરતું પાણી પહોંચાડવામાં આવશે. જ્યાં પણ અને જ્યારે પણ જરૂર પડયે ટેન્કરથી પાણી પહોંચાડવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમજ પીવાના પાણીની મુશ્કેલી નિવારવા સત્વરે હેન્ડપંપની દુરસ્તીનું કામ પણ કરવા તેમજ જિલ્લામાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સુચારૂ વ્યવસ્થા કરી પ્રજાજનોને પાણી મળી રહે તેવી કાળજી રાખવી જરૂરી છે. તેમ કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી અને  મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે આજે લુણાવાડા ખાતે જિલ્લા પ્રશાસન સાથે યોજેલી બેઠકમાં જણાવ્યું હતું.

તેમણે જિલ્લાના ગામોમાં ઉપલબ્ધ હેન્ડપંપ, મીની યોજનાઓ, જુથ પાણી પુરવઠા યોજનાઓ વિશે જાણકારી મેળવતા કહ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતું મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થાઓ જિલ્લામાં તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. પાણીના તળ ઉંડા ગયા હોય અને અન્ય સ્ત્રોત ન હોય તેવા વિસ્તારોમાં જરૂર પડ્યે ટેન્કરથી પાણી પહોંચાડવા માટે જરૂરી આયોજન કરવા તાકિદ કરી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી આરી.બી.બારડે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો તાદ્શ ચિતાર રજૂ કર્યો હતો. જેમાં હેન્ડપંપ, મીની યોજના, જૂથ પાણી પૂરવઠા યોજનાઓની જાણકારી આપવા સાથે પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવેલા આયોજનની વિગતો આપી હતી.

પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વાસ્મોના અધિકારીઓએ મંત્રીશ્રી સમક્ષ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાઓ અંગે જાણકારી આપી હતી. તેમજ ઉભી થનારી સમસ્યાઓને દૂર કરવાના આયોજનની માહિતી પણ આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે.જાદવ, પ્રાંત અધિકારીશ્રી બ્રીજેશ મોડીયા, પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોના અધિકારીઓ તેમજ સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહીસાગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..