Back

મોરબીમાં કોરોના સંક્રમણ પ્રસરતું અટકાવવા સરકારી તંત્ર અને પદાધિકારીઓ સતત સતર્ક – ધારાસભ્ય

વિશ્વની મહામારી સમા “કોરોના” એ ભારતમાં અને ગુજરાતમાં વિશેષ માથું ઊંચક્યું છે ત્યારે આ સંક્રમણ થતું અટકે તે દિશામાં ભારત સરકાર અને ગુજરાત સરકાર વેક્સિનથી માંડીને દરેક પ્રકારના આનુષાંગિક પગલાઓ ભરી રહી છે. ત્યારે મોરબીમાં પણ કોરોના સંક્રમણ સામે મોરબી જિલ્લાના વહીવટી તંત્ર તેમજ જિલ્લાના ભાજપ સંગઠન અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ આ બાબતે સતત ચિંતિત રહી લોકોની પડખે ઉભા છે તેમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે. ધારાસભ્ય ખુદ પોતાના જમણા ખંભાની સર્જરીને લીધે પથારીવશ હોવા છતાં આ બાબતે સતત જિલ્લા કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી અને મોરબી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેટ સાથે સતત સંપર્કમાં રહીને કોરોના સંક્રમણ સામે લોકોને મદદરૂપ થવા સતત પ્રયત્નશીલ છે.

 

અત્રે ઉલ્લેખનીય રહેશે કે દવાઓ અને વેક્સિન બાબતે સરકારી તંત્ર સતત ચિંતિત રહી કોઈ કચાશ ન રહે તે જોવા મથી રહ્યું છે. રાજ્યના આરોગ્ય કમિશ્નર, આરોગ્ય સચિવ તેમજ આરોગ્ય ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા સંગઠનના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર તાલુકાનાં સંગઠનના પ્રમુખ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, મોરબીમાં કોરોનાનું સંક્રમણ વકરતું અટકે તે માટે જરૂરી પગલાઓ લેવા સતત પરામર્શ કરી રહ્યા છીએ. ધારાસભ્ય તરીકે હું ખુદ પથારીવશ છું. મારા જમણા ખંભે ચાર જગ્યાએ ફેકચર થવાને કારણે મારે ઓપરેશન કરાવવું પડ્યું છે. નિષ્ણાંત સર્જનની પાંચ ડોક્ટરોની ટીમે મારા જમણા ખંભે ભારે મોટી સર્જરી કરીને મને ઊગાર્યો છે અને હું જલ્દીથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકું તે માટે મોરબીની જનતા જનાર્દનના આર્શિવાદ પણ મને સાંપડ્યા છે એ મારુ સદ્દભાગ્ય છે. હું પણ મારી નૈતિક ફરજ પથારીવશ હોવા છતા મોરબી જિલ્લાના પ્રભારી અધિક નિયામક અને સચિવ સાથે ટેલિફોનિક સંપર્ક દ્વારા મોરબી વિસ્તારમાં કોરોનાના સંક્રમણને કારણે પ્રજાને સહાયભૂત થવા ચિંતિત રહ્યો છું.

        સાંસદ વિનોદભાઈ ચાવડા ખુદ કોરોના સંક્રમિત થઈ હમણાં જ બહાર આવેલ હોવા છતાં મોરબીની પ્રજાની ખેવના કરી રહ્યા છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસર વગેરે સાથે પણ અમે સૌ સતત સંપર્કમાં રહીને મોરબી શહેરની પ્રજા આ મહામારી સામે સ્વસ્થ રહે તેવી તકેદારી સેવી રહ્યા છીએ. રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ આ બાબતે સતત તકેદારી સેવીને મોરબી સહિત રાજ્યની તમામ પ્રજાને કોરોના સામે રક્ષણ અપાવવા જરૂરી પગલાં ભરવા સતત પ્રયત્નશીલ છે.

        વધુમાં ધારાસભ્યએ લોકોને પણ અપીલ કરી છે કે કોરોનાની ગાઈડલાઇનનું અક્ષરસ: અમલ કરે, માસ્ક અવશ્ય પહેરે અને બિન જરૂરી બહારનો સંપર્ક ટાળે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે ખૂબ જરૂરી છે. મોરબીનું મીડિયા તંત્ર પણ કોરોના સામે લોકોને મદદરૂપ થવા સતત જાગૃત છે. મોરબી જિલ્લાની ભારતીય જનતા પક્ષની સમગ્ર ટીમ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યઓ સતત કોરોના સામે લોકોને વેક્સિન લેવાના અભિયાનમાં જોડાયા છે. તાજેતરમાં બગથળા, લાલપર, મહેન્દ્રનગર, રવાપર વિગેરે સ્થળોએ રસીકરણના ખાસ કેમ્પો લોકો માટે ઉપલબ્ધ કર્યા છે. આમ, મોરબીની પ્રજા, મીડિયા જગત અને સરકારી તંત્ર તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ સાથે મળીને મોરબીને કોરોનાથી સંક્રમિત થતું અટકાવવા સહિયારા પુરુષાર્થ કરે એવી જાહેર અપીલ બ્રિજેશ મેરજાએ ખુદ દર્દી હોવા છતાં લોકોના દર્દની ચિંતા કરી છે અને ખેદ સાથે જણાવ્યુ છે કે પોતાના જમણા હાથના ખંભે કરેલ સર્જરીના કારણે હજુ ૬ અઠવાડીયા સુધી પોતે લોકો વચ્ચે આવી શકે તેમ ન હોય તે માટે દિલગીરી વ્યક્ત કરી છે. પણ મોરબીની પ્રજાના કોરોના સહિતના પ્રશ્નો માટે પોતે ભારતીય જનતા પક્ષના સંગઠન અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સાથે પણ સતત અને સઘન પરામર્શ કરી રહ્યા છે.

        ધારાસભ્યએ અંતમાં જણાવ્યુ છે કે ડોક્ટરોની સલાહ મુજબ પોતે હજુ ૬ અઠવાડીયા લોકોની વચ્ચે આવવા અશક્તિમાન હોય લોકો આ મજબૂરીને સમજે અને કોરોનાની રસી લે તેવી હ્રદયસ્પર્શી અપીલ કરી છે અને પોતાની સંવેદના મોરબીની પ્રજા સાથે જ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..