Back

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો

પંચમહાલ. ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિર દાઢી





પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો.

સ્વસહાય જૂથોને રૂા.૮.૯૫ લાખની રકમની સહાયના ચેકોનું વિતરણ મહિલા ઉમેદવારો માટે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ. 

     પંચમહાલ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા મહિલાઓ માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  આ શૃંખલામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રોજગાર કચેરી, અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગોધરાના બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર મહિલાઓને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાની પૂરતી તકો મળી રહે તે સુનિશ્ચત કરવા પ્રતિબદ્ધ છે. નોકરીઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટે તેમને અનામત આપવામાં આવે છે તો જે મહિલાઓ નોકરી નથી કરતી તેમને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિમાં સહાયરૂપ થવાના હેતુથી વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 

જિલ્લા રોજગાર અધિકારી શ્રી એ.એલ. ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ આર્થિક રીતે પગભર થાય સાથે મહિલાઓને સમાજ અને ઘર-પરિવારમાં પૂરતું મહત્વ મળતું થાય અને અગત્યના નિર્ણયો લેવામાં તેમની સહભાગિતા વધે ત્યારે જ સાચું મહિલા સશક્તિકરણ થયું ગણાશે. તેમણે ઉમેર્યુ હતું કે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી બને તે ખૂબ જ જરૂરી છે.  

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્વસહાય જૂથોને એન.આર.એલ.એમ. અને એસ.વી.ઈ.પી. દ્વારા રૂા.૮.૯૫ લાખની રકમના કેશ ક્રેડિટ લોન ચેક અને લોન ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરસેટી અંતર્ગત બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર ત્રણ મહિલાઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મહિલાઓ માટે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં હીરો મોટરકોર્પ, સન ફાર્મા અને એલએમ વિન્ડપાવર સહિત હાજર રહેલા નોકરીદાતાઓએ ૧૦૬ મહિલા ઉમેદવારોની ઈન્ટરવ્યૂ કરી પ્રાથમિક પસંદગી કરી હતી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..