Back

પંચમહાલ માં “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

પંચમહાલ.

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ,સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ

પંચમહાલ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત પ્લાસ્ટિક કચરાના સલામત નિકાલ અને વ્યવસ્થાપન તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહના અધ્યક્ષપદે ગોધરાના બી.આર.જી.એફ ભવન ખાતે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે દેશ પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે “ખુલામાં શૌચથી મુક્ત” જાહેર થઈ તેમને હદયપૂર્વકની શ્રધ્ધાંજલિ આપવા જઈ રહ્યો છે અને તે માટે ભારત સરકાર દ્વારા એક જ વખત વાપરી શકાય તેવા પ્લાસ્ટિક (સિંગલ યુઝ પ્લાસ્ટિક)નો ઉપયોગ સદંતર બંધ કરવા તેમજ ગામડાઓમાં સંપૂર્ણ સ્વચ્છતા  સુનિશ્ચિત કરવા પ્લાસ્ટિક કચરાના સલામત નિકાલની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જિલ્લાના દરેક ગામના દરેક મહોલ્લા, શેરીઓ, જાહેર રસ્તા અને ચોક, શાળા, ભવનોમાંથી પ્લાસ્ટિક કચરાની સફાઈ કરાવી તેના સલામત નિકાલ માટે ઝુંબેશ હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ માટે ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭ ઓક્ટોબર, ૨૦૧૯ સુધી “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ ચલાવવામાં આવશે. આ હેઠળ લોકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ભયસ્થાનો વિશે જાણકારી આપી તેનો વપરાશ સદંતર બંધ કરાવવા તેમજ ગામોમાં પ્લાસ્ટિકના કચરાના સલામત એકત્રીકરણ અને નિકાલનું સઘન આયોજન કરી આ ઝુંબેશ સફળ બનાવવા સૂચનો આપ્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..