Back

રાધનપુર તાલુકાના સૂરકા ગામ પ્રાથમિક શાળા ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૩મી જન્મ જયંતિની ઉજવણી

નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે,

ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.

તા:28/8/2019 બુધવાર

           રાષ્ટ્રીય શાયર મેધાણીની 123મી જન્મ જયંતિની ઉજવણી રાધનપુર તાલુકાના સુરકા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. પ્રથમ તો શાળાના હોલમાં મેઘાણીના સાહિત્ય સર્જન અને સમગ્ર ગુજરાતી સાહિત્યના પુસ્તકોની વિભાગ વાઈજ પુસ્તક પ્રદર્શની કરવામાં આવ્યું જે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નીહાળ્યા હતા.

            શાળાના આચાર્યશ્રી મહેશભાઈ પ્રજાપતિ દ્રારા મેઘાણીના જીવન પરિચયનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકશ્રી ભલાભાઈ(રામજીભાઈ) રબારીએ જાલમસંગ દરબાર અને માત્રાવરુ નામના કાઠીની 'ભાઈબંધી' લોકવાર્તાનું મૌખીક કથન કર્યું હતું. આ વાર્તા દ્વારા અને મેઘાણીના સાહિત્યમાં મૂલ્યશિક્ષણ અઢળક છે એમ જણાવ્યું હતું.

"ભલ ઘોડા,કાઠી ભલા પેનીઢક પેરવેશ,

રાજા જદુવંશરા, વે ડોલરિયો દેશ."

         મેઘાણીના જીવનનો પરિચય રઘુ રબારીએ પિતા કાળીદાસના વેઢની વાત કરી આપ્યો હતો.

જન્મ 28/8/1897. માતા ધોળીબાઈ,પિતા કાળીદાસ મેઘાણી.અમરેલીમાં મેટ્રીક, ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ.(સંસ્કૃત-અંગ્રેજી). ભાવનગર સનાતનધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક.

કલકતા જીવણલાલ કંપનીમાં એલ્યુમિનિયમના કારખાનામાં.કંપની માલિક સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ. જેતપુરમાં શ્રી દમયંતીબેન સાથે લગ્ન. બે વર્ષ સાબરમતી જેલમાં સજા. દમયંતિબેનનું અવસાન. મુંબઈમાં 'જન્મભૂમિ' દૈનિકના સાહિત્ય વિભાગમાં સંપાદક. નેપાળનાં ચિત્રાદેવી સાથે બીજું લગ્ન. રાણપુરમાં 'ફૂલછાબ' ના તંત્રીપદે. ફૂલછાબમાંથી નિવૃત્તિ. રાજકોટમાંથી ગુજરાત સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખપદે. 9મી માર્ચ 1947માં 50 વર્ષની ઉંમરે હ્રદયરોગથી અવસાન.

          રઘુ રબારીએ મેઘાણીના ગીતો..."એક ઝાડમાથે ઝુમખડુ," "ચૌદવર્ષની ચારણ કન્યા", છેલ્લો કટોરો", "શિવાજીનું હાલરડું", "કોઈનો લાડકવાયો", "કસુંબીનો રંગ" જેવા ગીતોના પ્રસંગ વર્ણન સાથે ગાયાં હતાં. આ ઉપરાંત મેઘાણીના સમગ્ર કવનનો પરિચય આપ્યો હતો.


કવિતા સર્જન:-


 એકતારો,કિલ્લોલ,બાપુનાં પારણાં, યુગવંદના(રાષ્ટ્રીય શાયરનું બિરુદ), વેણીનાં ફૂલ.


નવલકથાઓ:-


અપરાધી, ગુજરાતનો જય ભાગ-૨, તુલસી-ક્યારો, નિરંજન, પ્રભુ પધાર્યા, બીડેલાં દ્વાર, રા'ગંગાજળિયો, વસુંધરાનાં વહાલાં-દવલાં, વેવિશાળ, સત્યની શોધમાં, સમરાંગણ, સોરઠ તારાં વહેતાં પાણી, 


લોકકથાઓ:-


કંકાવટી-૨ મંડળ, ડોશીમાની વાતો, દાદાજીની વાર્તા, રંગ છે બારોટ !, સોરઠી બહારવટિયા-ભાગ3/4, સૌરાષ્ટ્રની રસધાર-ભાગ 5 ઉપરાંત સમગ્ર સર્જનનો પરિચય આપ્યો હતો.

         સાંજે ચાર વાગે મેઘાણીના જીવન-કવન પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીરે શ્રી રવાભાઈ પટેલ અને દેવેન્દ્રભાઈ સુતરિયાએ કામગીરી સંભાળી જયારે કાર્યક્રમ સંચાલન નાગજીભાઈ કૈડે કર્યું હતું.

      "ભૂતકાળની મગરૂબી એ જો પ્રતાપી ભવિષ્યનું બીજારોપણ ન હોય, તો એની કિંમત જ નથી." -મેઘાણી

"તારી કવિતા તણા પીધા અમે મીઠા પાણી,

 લાખો સરોવર અમને મોળા લાગે મેઘાણી."

- રાઘવ વઢિયારી

(રઘુ શિવાભાઈ રબારી)

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..