Back

ગોંડલ પાસે સવારે ટ્રક-કાર અથડાઇને સળગ્યા ત્રણ ક્ષત્રિય મહિલા ભડથુ

"બિલીયાળા પાસે ટ્રક અને કાર અથડાતા બંને વાહનો અગનગોળો બન્યા : ગોંડલથી લૌકિક કામે ખરેડી જતા અકસ્માત : કાર ચાલકને ગંભીર ઇજા : કરૂણાંતિકાના પગલે ક્ષત્રિય સમાજ શોકમગ્ન : અગ્રણી ભીખુભા જાડેજાના ધર્મપત્નીનું અવસાન"

ગોંડલ: અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર બિલિયાળા ગામના પાટીયા પાસે પરોઢીયે કપાસ ભરેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભડકી ઉઠેલી આગમાં બંને વાહનો બળીને ખાખ થયા હતા અને કારમાં બેઠેલ ત્રણ મહિલા સળગીને ભડથું થઇ જવા પામી હતી. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માત સાથે આગની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડને થતા બંને ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતુ આ સમય દરમિયાન બંને વાહનો અથડાવાની સાથે ત્રણ મહિલાઓ પણ સળગી જતા મોત નિપજયા હતા.

આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો. અગનગોળો બનેલ કારમાં ગોંડલના ડેરા શેરીમાં રહેતા નિવૃત જીઇબી કર્મચારી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભીખુભા જાડેજાના પત્ની રેખાબા તેમજ રસીકબા કિશોરસિંહ રાયજાદા તથા મુકુંદબા મહેશસિંહ રાયજાદાના મોત નિપજતા ક્ષત્રિય સમાજમાં ગમગીની છવાય જવા પામેલ છે.

અકસ્માતની આ ઘટનામાં મરનાર રસીકબાના પતિ નિવૃત મામલતદાર હતા જ્યારે મુકુંદબા જાડેજાના પતિ મહેશસિંહ રાયજાદા કાર ચલાવતા હતા જેઓને ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ ઘટનામાં ત્રણ મહિલાઓના મોતથી ક્ષત્રિય સમાજ સ્તબ્ધ બની જવા પામેલ છે. ક્ષત્રિય સમાજની આ મહિલાઓ લૌકિક કામે સવારના 6.30 વાગ્યે ખરેડી જતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી. ક્ષત્રિય પરિવારના સદસ્યો સાથેની કાર ખરેડી જવા માટે ગોંડલથી રાજકોટ તરફ જતી હતી અને ટ્રક બીલીયાળા ગામથી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે આ કરૂણાંતિકા સર્જાયેલ હતી આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવના પગલે હાઇવે પેટ્રોલીંગ ઓફિસર મયુરસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઇવે પેટ્રોલીંગની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસના સ્ટાફે ટ્રાફિક કલીયર કરાવ્યો હતો તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી કરી હતી.

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..