Back

દેશદાઝથી ભરેલા નવલોહિયા યુવાનો કામરેજના ઘલુડી ખાતે લઇ રહ્યા છે સઘન તાલીમ

રાજ્ય સરકાર પ્રેરિત નિવાસી તાલીમ વર્ગમાં

દેશદાઝથી ભરેલા ૮૫ નવલોહિયા યુવાનો કામરેજના ઘલુડી ખાતે લઇ રહ્યા છે સઘન તાલીમ

મા-ભોમની રક્ષા માટે દેશના સીમાડા પર જવા ઈચ્છતા યુવાનોને

રાજ્ય સરકારે સંરક્ષણ તાલીમ દ્વારા પાંખો આપી છે:

 દેશ માટે વિચારવાની યોગ્ય ઉંમર છે અને મારે એક ભારતીય સૈનિક તરીકે દેશનું ગૌરવ વધારવું છે: તાલીમાર્થી બ્રિજેશ કાછડિયા

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યુવાનોનું સંરક્ષણ દળોમાં પ્રતિનિધિત્વ વધે તે આશયથી રાજ્યભરમાં ‘‘સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ ભરતી’’ નિવાસી તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે.

 

ગુજરાતના યુવાનોનું સંરક્ષણ દળોમાં પ્રતિનિધિત્વ વધે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. સુરત જિલ્લામાં પણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કામરેજ તાલુકાના ઘલુડી સ્થિત ગ્રામ્ય પોલિસ હેડક્વાર્ટર ખાતે ૩૦ દિવસીય સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ ભરતીની નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના અને દેશના સીમાડાની રક્ષા કરવાની ભાવના સાથે અહીં ૧૭. થી ર૩ વર્ષની વય ધરાવતાં સુરત જિલ્લાના કુલ ૮૫ નવલોહિયા યુવાનો નિ;શુલ્ક તાલીમ લઇ રહ્યા છે.

        તાલીમ વર્ગ માટે પસંદગી પામેલા ઉમેદવારોને સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ, સી.આર.પી.એફ., આઈ.ટી.બી.પી., બી.સેસ.એફ.,માં જવાનોની ભરતી માટે જે રીતે ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે તે રીતે રાજ્ય સરકાર દ્વારા નિષ્ણાંત પ્રશિક્ષકો દ્વારા નિવાસી તાલીમ વર્ગમાં આર્મીની તાલીમ આપવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા યુવાનોને નિ:શુલ્ક નિવાસ અને પૌષ્ટિક ભોજન સહિત રૂા. ત્રણ હજારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને બી.કોમનો અભ્યાસ કરી રહેલા ૨૧ વર્ષીય તાલીમાર્થી બ્રિજેશ કાછડિયા જણાવે છે કે, ‘કોલેજના અભ્યાસની સાથે મેં મનોમન નક્કી કર્યું છે કે દેશ માટે વિચારવાની યોગ્ય ઉંમર છે, અને મારે ભારતીય સેનામાં જોડાઈ સૈનિક તરીકે દેશનું ગૌરવ વધારવું છે. અહીં આપવામાં આવતી તાલીમ જીવનભરનું સંભારણું બની રહેશે. તાલીમ માટે મેદાન, ગણવેશ, ભોજન, સ્પોર્ટર્સ કિટ્સ પણ આપવામાં આવ્યા છે.

મૂળ ઓરિસ્સાના વતની અને સચિન ખાતે રહેતા ૨૦ વર્ષીય તાલીમાર્થી રંજન ગૌડ પણ બાળપણથી સૈનિક બની દેશસેવા કરવાની તમન્ના ધરાવે છે. પ્રતિભાવ આપતા તે કહે છે કે, હું તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી ખૂબ ખુશ છું. કારણ કે જીવનમાં શિસ્ત, સમર્પણ, એકતા અને ભાઈચારાની ભાવના જેવા અનેક ગુણો મને અહીથી શીખવા મળ્યા છે. રંજન પ્રકારના તાલીમવર્ગને યુવાવર્ગની આશા, અપેક્ષા અને મહત્વાકાંક્ષાને બળ આપવાના પ્રયાસ હોવાનું જણાવી ઉમેરે છે કે, ૩૦ દિવસની આકરી તાલીમ મારા માટે નવું પ્રેરકબળ બની રહેશે.

 તાલીમ વર્ગની સુયોગ્ય વ્યવસ્થા કરનાર જિલ્લા રોજગાર કચેરીના નાયબ નિયામકશ્રી મુકેશભાઈ વસાવાએ તાલીમવર્ગ વિશે જણાવ્યું કે, રોજગાર કચેરી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ૫૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. પસંદગી પ્રક્રિયાના અંતે ૮૫ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. વહેલી સવારે .૩૦ વાગ્યે ઘલુડી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લાંબી દોડ, ઉચી કુદ, જમ્પ, પરેડ, માર્ચ પાસ્ટ જેવી સઘન તાલીમ આપીને તાલીમાર્થીઓની સજ્જ કરવામાં આવી રહ્યા છે. તેમના માટે નાસ્તો, પૌષ્ટિક ભોજનની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉપરાંત, પ્રેક્ટિકલ તાલીમ સાથે સ્પર્ધાત્મક તાલીમ વર્ગના અનુભવી નિષ્ણાંત શિક્ષકો દ્વારા થિયરીકલ ક્લાસ લેવામાં આવે છે. ઉપરાંત સંરક્ષણ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને વધુ ૧૫ દિવસની તાલીમ આપવામાં આવશે.   

 

 

 

કામરેજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..