Back

પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...

રાષ્ટ્રીય ખેલ દિવસે પ્રધાનમંત્રી દ્વારા ફિટ ઇન્ડિયા જન અભિયાનના લોન્ચિંગને વડોદરા શહેર-જિલ્લાએ વિવિધ રમતો અને વ્યાયામો થી વધાવ્યું...

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિનિયર સિટીઝન્સ રસ્સા ખેંચ રમ્યા અને કિશોર-કિશોરીઓ સાથે જોશભર્યા સંગીતના તાલે ઝુંબા વ્યાયામ કર્યો...

સાહસ અને રોમાંચ સભર મણિપુરની ફુનાબા કવાયતને સાંસદ અને મહાનુભાવોએ મંત્રમુગ્ધ થઈને નિહાળી...

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને અંજલિ આપવા ઉજવાતા રાષ્ટ્રીય ખેલ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી થી ફિટ ઇન્ડિયા જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.આ ઘટનાને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેમજ શહેર-જિલ્લાના અન્ય સ્થળોએ વિવિધ રમતો અને વ્યાયામો થી આબાલવૃદ્ધોએ હરખ સાથે વધાવી લીધી હતો.

શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મમ્મી-પપ્પા-દાદા-દાદી સાથે કિશોર-કિશોરીઓએ જોશભર્યા સંગીતના તાલે ઝુંબા વ્યાયામ કર્યો હતો. રીટા કોઠારીની ટીમે ગરબાના તાલે ઝુંબા કરાવી સહુમાં અનેરા જોશનો સંચાર કર્યો હતો. આ પહેલા વડીલજનોએ રસ્સા ખેંચની હરીફાઈમાં ભાગ લઈને ફિટ એટ સિક્સટી ની જોશભરી અનુભૂતિ કરાવી હતી.

મણિપુરના વ્યાયામ વિરોએ રણબીરસિંઘની આગેવાની હેઠળ પરંપરાગત અને રોમાંચક ફુનાબા વ્યાયામના પ્રયોગો રજૂ કર્યા જેને સાંસદ સહિત સહુ મહાનુભાવો એ મંત્રમુગ્ધ થઈને નિહાળ્યા હતા. આ વ્યાયામમાં પાવર યોગ,જીમનેસ્ટિક, સેલ્ફ ડિફેન્સની માર્શલ આર્ટ ઇત્યાદિનો બખૂબી સમન્વય થયો છે અને ફિલ્મી કલાકારોમાં ખૂબ જ લોકપ્રિય આ વ્યાયામને ૪૫ દેશોમાં માન્યતા મળી છે. રણબીરસિંઘની ટીમે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ટીવી શોમાં ખૂબ નામના મેળવી હતી.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઉપસ્થિત સિનિયર સિટીઝન્સને સાંસદ તેમજ જિલ્લા  વિકાસ અધિકારી અને ધારાસભ્યઓ ના હસ્તે મેમરી મેડલ્સ-સ્મૃતિ ચંદ્રકો  પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રઝિયા શેખ અને અર્જુન એવોર્ડ વિજેતાઓ સહિત રમતવીરો ફિટ ઇન્ડિયા જન અભિયાનને વધાવતા આયોજનમાં જોડાયાં હતા.

માંજલપુર અને વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મ.સ.વિશ્વ વિદ્યાલયની વિદ્યા શાખાઓ તેમજ પેવિલિયન ખાતે યોજાયેલી રમત પ્રવૃત્તિઓમાં ભાગ લઈને યુવા સમુદાયે પ્રધાનમંત્રીના અનોખા કાર્યક્રમને વધાવ્યો હતો. શહેર જિલ્લાની શાળાઓ, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં વ્યાયામના કાર્યક્રમો યોજાયાં હતા.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ તેમના મનકી બાતના છેલ્લા કથાનકમાં ભારત ફિટનેસની બાબતમાં સભાન બને અને ફિટનેસની દેશવ્યાપી જાગૃતિ કેળવાય એવી લાગણી વ્યક્ત કરવાની સાથે ફિટનેસ શ્રેષ્ઠ ભારતના નિર્માણનું અભિન્ન અંગ બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.એને સાકાર કરવા ભારત સરકારના ખેલ મંત્રાલયે રાજ્યોના ખેલ વિભાગોના સહયોગ થી જન આંદોલનના રૂપમાં શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિનું આ અભિયાન ઉપાડ્યું છે.

એક સંસ્કૃત સુભાષિત માં કહ્યું છે કે વ્યાયામ થી તંદુરસ્તી વધે છે, જીવન નિરામય બને છે, દીર્ઘાયુતા મળે છે અને સુખી થવાય છે. ભારતીય સંસ્કૃતિમાં લોકોત્સવો, ધાર્મિક ઉત્સવો, ગિલ્લી દંડા અને લખોટી જેવી અનેક દેશી રમતો, શાસ્ત્રીય અને લોકનૃત્યો ઇત્યાદિમા શરીરને ચુસ્ત અને દુરૂસ્ત રાખતી કવાયતને વણી લેવામાં આવી છે. આ વારસો વિસરાતો જાય છે જેને આ અભિયાન થી નવ સક્રિયતા મળશે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના પ્રારંભ સમારોહમાં નૃત્ય કૃતિઓના માધ્યમથી આ વારસાનું અતિ અદભુત નિદર્શન કરવામાં આવ્યું હતું.

રમત પ્રવૃત્તિઓ અને વ્યાયામ ચુસ્તી અને નવું જોશ આપે છે એવી લાગણી સાથે અભિયાનને આવકારતા સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું કે વડોદરા રમત પ્રેમ અને વારસાની નગરી છે. અહીંના વડીલજનો અને યુવા સમુદાય, મહિલા સમુદાય વ્યાયામ સાથે જોડાયેલો છે ત્યારે પ્રધાનમંત્રીના આ જન સુખાકારી અભિયાનને અપૂર્વ આવકાર મળશે.            

ચાલીસ પછી ચાલીશ નહીં તો ક્યાંય ચાલીસ નહીં એવી માર્મિક કહેવતનો ઉલ્લેખ કરતાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું કે લોકોને નિયમિત કસરત કરતાં કરવાનું આ અભિયાન છે.

યુજીસી એ પણ શિક્ષણ સંસ્થાઓને પત્ર પાઠવીને આ અભિયાનના સંદર્ભમાં યુવા સમુદાય દૈનિક ૧૦ હજાર ડગલાં ચાલવાના વ્યાયામને નિયમિત જીવન આદત તરીકે અપનાવે એવું પ્રોત્સાહક વાતાવરણ રચવા અનુરોધ કર્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહીને ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા,મનીશાબહેન વકીલ,સીમાબહેન મોહિલે, પદાધિકારીઓ અને નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલ, પ્રાંત અધિકારી મહિપાલસિંહ ચુડાસમા સહિત કોર્પોરેશન-જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સહિત નગરજનોએ અભિયાનને વધાવ્યું હતું.

શહેર-જિલ્લાના વિવિધ કાર્યક્રમોનું વડોદરા શહેર રમત ગમત અધિકારી કેતુલ મહેરિયાએ ગ્રામ્ય રમત ગમત અધિકારી અસારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના મુખ્ય કોચ જયેશ ભાલાવાળા તેમજ રમત મંડળોના સહયોગથી બખૂબી સંકલન કર્યું હતું.

 

 

 

 

વડોદરા ના તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..

વડોદરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..